ચાર ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારી સૌપ્રથમ મહિલા કાઓરી ઇચો

પેરિસઃ પેરિસમાં 26 જુલાઈથી ઓલિમ્પિકનો પ્રારંભ થવાનો છે, ત્યારે ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી સફળ એથ્લીટ રેસલર કાઓરી ઇચો છે, જે ક્યારેય હારી નથી. કાઓરી ઇચોએ 2004 એથેન્સ ઓલિમ્પિકમાં ડેબ્યુ કર્યું હતું. 20 વર્ષની વયે તેણે સતત ચાર મેચ જીતીને 63 કિલોગ્રામમાં ગોલ્ડ જીત્યો હતો. એ પછી 2008 બીજિંગ અને 2012 લંડન ઓલિમ્પિકમાં પણ ઇચોએ આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં ઇચોએ 58 કિલોગ્રામમાં રશિયાની વેલેરિયા કોબ્લોવાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે આ કેટેગરીમાં ભારતની સાક્ષી મલિકે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.કાઓરી ઇચોને નામે વર્લ્ડ રેકોર્ડ પણ છે. તે સતત ચાર ઓલિમ્પિક ગેમ્સમાં વ્યક્તિગત મેડલ જીતવાળી વિશ્વની પહેલી મહિલા એથ્લીટ છે. તે ઓલિમ્પિક કેરિયરમાં એક પણ મુકાબલો હારી નથી. રેસલિંગમાં એક પણ મેચ હારવા પર ગોલ્ડની આશા પૂરી થઈ જાય છે. ઇચોને 2003થી 2016ની વચ્ચે એક પણ રેસલિંગ મેચમાં હાર નથી મળી. તે 10 વાર વર્લ્ડ ચેમ્પિયન પણ રહી છે. 2006 એશિયન ગેમ્સમાં પણ તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેણે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ નહોતો લીધો.

જાપાનની ઇચોને જાપાનના પીપલ્ડ ઓનર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. એ જાપાનનો સૌથી મોટા એવોર્ડમાં સામેલ છે. કાઓરીની બહેન ચિહારુ ઇચો પણ ઓલિમ્પિક મેડલિસ્ટ છે. 48 કિલોગ્રામ કેટેગરીમાં તેણે 2004 અને 2008માં સિલ્વર જીત્યો હતો.