મુંબઈઃ કેરળના તિરુવનંતપુરમ શહેરના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની ત્રીજી અને આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 390 રનનો ઢગલો કરી દીધો છે. ભારત પહેલી બંને વન-ડે મેચ જીતીને શ્રેણી પોતાના કબજામાં લઈ ચૂક્યું છે. આમ છતાં, ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ વન-ડે ક્રિકેટના અસ્તિત્વ વિશે ચિંતિત થયો છે. આનું કારણ છે આજની મેચ દરમિયાન સ્ટેડિયમમાં રહેલા ખાલી સ્ટેન્ડ. 2011ની વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતના વિજેતાપદના હિરો યુવરાજે ટ્વીટમાં સવાલ કર્યો છે, ‘… પરંતુ અડધા ખાલી સ્ટેડિયમ જોઈને મને ચિંતા થાય છે. શું વન-ડે ક્રિકેટ મરી રહ્યું છે?’ યુવરાજે જોકે આ ટ્વીટ ઓપનર શુભમન ગિલની સદી (116 રન) અને કોહલીની તોફાની સદી (અણનમ 166 રન)ના દેખાવ પહેલા કર્યું હતું.
ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ 38,000 દર્શકોની ક્ષમતા ધરાવે છે, પરંતુ આજની મેચ જોવા 20,000થી પણ ઓછા દર્શકો આવ્યા હતા. કેરાલા ક્રિકેટ એસોસિએશનના મીડિયા મેનેજર ક્રૃષ્ણપ્રસાદનું કહેવું છે કે લોકોને હવે વન-ડે ક્રિકેટમાંથી રસ ઘટી ગયો છે. છેલ્લે 2018માં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વખતની મેચ વખતે આખું સ્ટેડિયમ પૂરેપૂરું ભરાઈ ગયું હતું.
ગુવાહાટીમાંની પહેલી મેચ વખતે બરસાપારા સ્ટેડિયમમાં પણ 38,000ની ક્ષમતા સામે 25,000 દર્શકો આવ્યા હતા. આસામ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ કહ્યું કે ટિકિટના ઉંચા દરને કારણે ઓછા લોકો મેચ જોવા આવ્યા હશે. ટિકિટના ભાવ રૂ. 1,500થી લઈને રૂ. 5,000 રાખવામાં આવ્યા હતા.
વિરાટ કોહલીની તોફાની 46મી સદીઃ શ્રેણીમાં બીજી
આજની મેચમાં ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફરી તેના જૂના રંગમાં આવી ગયો હતો. એણે તોફાની બેટિંગ કરીને કારકિર્દીની 46મી સદી રૂપે અણનમ 166 રન ફટકાર્યા. તેણે 85 બોલમાં સદી પૂરી કરી હતી. એમાં 10 ચોગ્ગા અને એક છગ્ગો હતો. કોહલી ત્યારબાદ આક્રમક બન્યો હતો અને બીજા 66 રનમાં સાત છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. કુલ 110 બોલમાં 166 રન ફટકાર્યા અને નોટઆઉટ રહ્યો. હવે વન-ડે ક્રિકેટમાં 49 સદીના માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરના વિશ્વવિક્રમની બરોબરી કરવા કોહલીને વધુ 3 સદીની જરૂર છે. આજે કોહલીએ તેંડુલકરના એક વિક્રમને તોડ્યો છે. તેંડુલકર 49 સદી માટે 452 દાવ રમ્યા હતા જ્યારે કોહલીએ 259 દાવમાં 46 સદી પૂરી કરી લીધી છે. વર્તમાન શ્રેણીમાં કોહલીની આ બીજી સદી છે. ગુવાહાટીમાંની પહેલી મેચમાં એણે 113 રન કર્યા હતા. છેલ્લી 4 વન-ડે મેચમાં તેની આ ત્રીજી સદી છે.