ઈરફાન પઠાણ નિવૃત્ત થયો: નહીં જોવા મળે એના સ્વિંગનો જાદુ…

વડોદરાનિવાસી અને ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ સાથે જ એની કારકિર્દી પર પૂર્ણવિરામ આવી ગયો છે. ઈરફાન ભારત વતી 29 ટેસ્ટ મેચ, 120 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને 24 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમ્યો હતો.

ભૂતકાળમાં એક સમયે ઈરફાન ભારતીય ક્રિકેટમાં અગ્રગણ્ય નામ હતું. સ્થાનિક સર્કિટમાં પણ એ નિયમિત રીતે રમતો હતો.

પરંતુ, 2019ના ફેબ્રુઆરીથી એ કોઈ પણ ફોર્મેટની ક્રિકેટમાં રમ્યો નહોતો.

પઠાણની કારકિર્દી પર એક નજર

35 વર્ષીય ડાબોડી બોલર અને ડાબોડી બેટ્સમેન ઈરફાન ભારત વતી છેલ્લે 2012ની સાલમાં આંતરરાષ્ટ્રીય મેચમાં રમ્યો હતો.

ઈરફાન તીવ્ર રીતે બોલને સ્વિંગ કરવા માટે જાણીતો હતો. એણે તમામ ફોર્મેટ્સમાં કુલ 301 વિકેટો ઝડપી હતી.

એ બેટિંગ પણ સારી કરી જાણતો હતો. એણે ટેસ્ટ ક્રિકેટમાં 31થી વધુની સરેરાશ સાથે 1,105 રન કર્યા હતા તો વન-ડે ક્રિકેટમાં 23.39ની સરેરાશ સાથે 1,544 રન કર્યા હતા.

ઈરફાનનો તરખાટ, લીધી હતી હેટ-ટ્રિક

ઈરફાન 2003ની સાલમાં મેદાન પર એની બોલિંગ વડે ખૂબ ગાજ્યો હતો. એ તેની કારકિર્દીમાં શરૂઆતનો તબક્કો હતો.

એણે 2006માં કરાચીમાં રમાઈ ગયેલી ટેસ્ટ મેચમાં પહેલી જ ઓવરમાં હેટ-ટ્રિક લીધી હતી. એણે સલમાન બટ્ટ, યુનિસ ખાન અને મોહમ્મદ યુસુફને આઉટ કર્યા હતા.

2007ની આઈસીસી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં પણ રમ્યો હતો અને પાકિસ્તાન સામેની ફાઈનલમાં ‘મેન ઓફ ધ મેચ’ બન્યો હતો. એણે તે મેચમાં 16 રનમાં 3 વિકેટ લીધી હતી.

કારકિર્દીની પહેલી સદી પણ પાકિસ્તાન સામે જ ફટકારી

2007માં ઈરફાને તેની પહેલી ટેસ્ટ સદી પાકિસ્તાન સામે જ ફટકારી હતી. એ મેચમાં એણે 102 રન કર્યા હતા.

ભારતીય ટીમ જ્યારે 2007-8માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી ત્યારે ભારતે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા પર ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ઈરફાને એ મેચમાં પાંચ વિકેટ લીધી હતી અને બેટિંગમાં 28 અને 46 રનનું યોગદાન પણ આપ્યું હતું.

ત્યારબાદ ઈરફાન ભારત વતી વધુ બે ટેસ્ટ મેચ રમ્યો હતો. એમાંની છેલ્લી ટેસ્ટ એ 2008માં સાઉથ આફ્રિકા સામે અમદાવાદમાં રમ્યો હતો.

આઈપીએલ સ્પર્ધામાં આકર્ષક પરફોર્મન્સ કર્યો હતો

વારંવાર ઈજાગ્રસ્ત થવાથી અને કંગાળ ફોર્મને કારણે એને ટીમ ઈન્ડિયા વતી રમવાનું વધુ તક મળતી બંધ થઈ હતી.

તે છતાં એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધામાં સારું રમતો રહ્યો હતો. છેક 2016 સુધી એ સારો દેખાવ કરતો રહ્યો હતો.

આઈપીએલમાં એ કિંગ્સ ઈલેવન પંજાબ, દિલ્હી ડેરડેવિલ્સ, ગુજરાત લાયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ ટીમો વતી રમ્યો હતો.

આઈપીએલમાં એણે 103 મેચમાં 80 વિકેટ લીધી હતી અને બેટિંગમાં 1,139 રન કર્યા હતા.

સ્થાનિક ક્રિકેટમાં બરોડા અને જમ્મુ-કશ્મીર ટીમો વતી રમ્યો

સ્થાનિક ક્રિકેટમાં પોતાના વતન શહેર બરોડાની ટીમ વતી રમનાર ઈરફાન 2018ની શરૂઆતમાં ખેલાડી અને માર્ગદર્શકના રૂપમાં જમ્મુ અને કશ્મીરની ટીમમાં જોડાયો હતો.

એ તેની છેલ્લી સ્પર્ધાત્મક મેચ 2018ના ફેબ્રુઆરીમાં રમ્યો હતો. એ મેચ તે જમ્મુ અને કશ્મીર ટીમ વતી રમ્યો હતો અને સ્પર્ધા હતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી.