પુણેઃ હાલ રમાતી આઈપીએલ-15માં રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કંગાળ દેખાવ ચાલુ રહ્યો છે. ગઈ કાલે અહીંના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી મેચમાં એનો પંજાબ કિંગ્સ સામે 12-રનથી પરાજય થયો હતો. પંજાબ ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 198 રન કર્યા હતા. તેના જવાબમાં મુંબઈ ટીમ 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 186 રન જ કરી શકી હતી. બેટિંગમાં 52 રન કરનાર અને ફિલ્ડિંગમાં બે કેચ પકડનાર તથા એક જણને રનઆઉટ કરાવનાર પંજાબ કિંગ્સના મયંક અગ્રવાલને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો આ સતત પાંચમો પરાજય છે. અધૂરામાં પૂરું, તેના કેપ્ટન રોહિત શર્માને સ્પર્ધાના નિયમો અંતર્ગત સ્લો ઓવર રેટ રહેવા બદલ 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્તમાન મોસમમાં મેચ દરમિયાન ધીમા ઓવર દરનો મુંબઈ ટીમનો આ બીજો ગુનો બન્યો છે. આઈપીએલની આચારસંહિતા અંતર્ગત મિનિમમ ઓવર રેટને લગતા ગુનાઓ સંબંધિત રોહિત શર્માને રૂ. 24 લાખનો દંડ જ્યારે ટીમના અન્ય 10 સભ્યોને રૂ. 6-6 લાખ અથવા એમની મેચ ફીના 25 ટકા રકમ (બેઉમાંથી જે ઓછી હોય તે) દંડ ફટકારવામાં આવ્યો છે.