જાડેજાએ ‘વિશેષ વિજય’ પત્નીને અર્પણ કર્યો

મુંબઈઃ રવિન્દ્ર જાડેજાએ પોતાના સુકાનીપદ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ લીગ સ્પર્ધામાં પહેલો જ વિજય અપાવ્યો છે. આઈપીએલ-15માં ચેન્નાઈ ટીમે પહેલી ચાર મેચ હારી ગયા બાદ ગઈ કાલે પાંચમી મેચમાં પોતાનો પહેલો વિજય નોંધાવ્યો હતો. એણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમને 23-રનથી પરાજય આપ્યો હતો. જાડેજાએ મેચ પૂરી થયા બાદ કહ્યું હતું કે કેપ્ટન તરીકે તે પોતાનો આ પહેલો વિજય એની પત્ની (રીવા)ને અર્પણ કરે છે. ‘કેપ્ટન તરીકે આ મારો પહેલો જ વિજય છે. હું આને મારી પત્નીને અર્પણ કરવાનું પસંદ કરીશ, કારણ કે પ્રથમ વિજય કાયમ વિશેષ હોય છે,’ એમ તેણે કહ્યું હતું.

ગઈ કાલની મેચમાં, બેંગલોર ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ ટોસ જીતી ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું. ચેન્નાઈ ટીમે શિવમ દુબેના અણનમ 95 અને ઓપનર રોબિન ઉથપ્પાના 88 રનની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 216 રન કર્યા હતા. તેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 193 રન બનાવી શકી હતી. બેટિંગમાં ઝીરો પર આઉટ થનાર કેપ્ટન જાડેજાએ બોલિંગમાં 3 વિકેટ લીધી હતી. તેમજ એક કેચ પણ પકડ્યો હતો. 46 બોલમાં પાંચ ચોગ્ગા, 8 છગ્ગા સાથે 95 રન કરનાર શિવમ દુબેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો.