મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હાલ રમાતી 15મી સીઝનમાં ખમતીધર ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો દેખાવ અત્યાર સુધી કંગાળ રહ્યો છે. એ તેની પહેલી ચારેય મેચ હારી ચૂકી છે. પાંચ વખત ચેમ્પિયન બનેલી અને રોહિત શર્માના સુકાનીપદ હેઠળની મુંબઈ ટીમ આ વખતની આવૃત્તિમાં કોઈક દબાણ હેઠળ આવી ગઈ છે.
ટીમના વાઈસ-કેપ્ટન જસપ્રિત બુમરાહે તેનું કારણ જણાવ્યું છે. એણે કહ્યું છે કે ટીમ હાલ પરિવર્તન તબક્કામાંથી પસાર થઈ રહી છે એ જ આઈપીએલ-2022માં અત્યાર સુધીમાં તેના ખરાબ રહેલા દેખાવનું મુખ્ય કારણ છે. જેમ દરેક ક્રિકેટર તેની કારકિર્દીમાં આવતા પરિવર્તનના તબક્કાને બરાબર સમજતો હોય છે એવું જ દરેક ટીમ સાથે બનતું હોય છે. અમે હાલ એ તબક્કામાં છીએ. અમે નવું જૂથ બનાવ્યું છે. અમારી ટીમમાં ઘણા નવોદિત ખેલાડીઓ સામેલ કરવામાં આવ્યા છે જેઓ આઈપીએલ જેવી અતિ-રોમાંચક સ્પર્ધામાં દબાણની પરિસ્થિતિનો સામનો કરતા શીખી રહ્યા છે.