યૂએઈના સમુદ્રમાં રોમેન્ટિક-મૂડમાં ‘વિરુષ્કા’; ડીવિલિયર્સે પાડી તસવીર

દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હાલ આનંદિત મૂડમાં છે. એક, આઈપીએલ-13 અથવા આઈપીએલ-2020 સ્પર્ધામાં એની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સારો દેખાવ કરી રહી છે. ટીમે 9માંથી છ મેચમાં જીત મેળવી છે અને તે પ્લે-ઓફ્ફમાં પહોંચવા અગ્રેસર છે.

બીજું, એ પિતા બનવાની તૈયારીમાં છે અને એની પત્ની અનુષ્કા શર્મા હાલ એની સાથે સંયુક્ત આરબ અમિરાતમાં છે.

ગઈ કાલે, રવિવારે કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર તેની અને પત્ની અનુષ્કાની એક તસવીર શેર કરી હતી. આ તસવીર તેની ટીમના સાથી ખેલાડી એબી ડી વિલિયર્સે પાડી હતી. તસવીરમાં, સ્ટાર પતિ-પત્ની દરિયામાં નાહવા પડ્યાં છે અને એકબીજાની આંખોમાં પ્યારભરી નજરે જુએ છે, પાછળ દુબઈનો સૂર્યાસ્ત નજરે પડે છે.

આ તસવીર ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મિડિયા પર રિલીઝ કરાઈ એની અમુક જ મિનિટોમાં કોહલી અને અનુષ્કા પર અભિનંદન તથા શુભેચ્છાનો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. આ તસવીરને લાખોની સંખ્યામાં લાઈક્સ મળ્યા છે અને અઢળક કમેન્ટ્સ પણ આવી છે.

આઈપીએલની પૂર્વેની મેચોમાં પણ અનુષ્કા સ્ટેન્ડ્સમાંથી એનાં પતિને પાનો ચડાવતી જોવા મળી હતી.

કોહલી અને અનુષ્કા આવતા જાન્યુઆરીમાં એમનાં પ્રથમ સંતાનના જન્મની આશા રાખે છે. અનુષ્કા ગર્ભવતી થયાના સમાચાર તેમણે ગયા ઓગસ્ટમાં સોશિયલ મિડિયા પર રિલીઝ કર્યા હતા.