લોકડાઉનઃ મહિલા ક્રિકેટ કેપ્ટન હરમનપ્રીત કૌરે બતાવ્યો જાદૂ

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાને કારણે હાલ આખા ભારતમાં તાળાબંધી લાગેલી છે. લગભગ એક મહિનાથી લાગુ થયેલા આ લોકડાઉનમાં તમામ લોકો – સામાન્ય જનતાથી લઈને સેલિબ્રિટી વ્યક્તિઓ, ઘરની ચાર દીવાલ વચ્ચે કેદ થયેલા છે. ઘણી સેલિબ્રિટી વ્યક્તિઓ આ સમયગાળા દરમિયાન એમનો જુસ્સો ટકાવી રાખવા અને ટાઈમ પાસ કરવા માટે એમના જુદા જુદા પ્રકારના શોખને કેળવે છે અથવા કંઈક નવી પ્રવૃત્તિ કરે છે.

દેશની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અને ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌર એક જાદૂ શીખી છે.

એણે આ જાદૂ બતાવતો એક વિડિયો એનાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. એમાં તે અરીસા સાથે નાનકડા પિંગ-પોંગ બોલથી રમી રહી છે. તે એક કાચના ગ્લાસમાં રાખેલો બોલ જેવો અરીસા પર ફેંકે છે ત્યારે એવું દેખાય છે કે અરીસામાંના તેના પ્રતિબિંબે બોલને કલેક્ટ કર્યો છે. બોલ જાણે અરીસાની આરપાર જતો રહે છે. આશ્ચર્ય ઉપજાવનારી વાત એ છે કે બોલ સામેની બાજુએ જઈને પાછો આવી જાય છે.

આ ટ્રિકે ઈન્ટરનેટ યુઝર્સને ઘેલાં કરી મૂક્યાં છે. તમે પણ આ વિડિયો જુઓ તો જ ખ્યાલ આવશે.

https://www.instagram.com/p/B_RzanlA6L4/

31 વર્ષીય હરમનપ્રીત કૌરે આ વિડિયોની કેપ્શનમાં લખ્યું છેઃ ‘મિરર, મિરર ઓન ધ વોલ. આમાં અસલી કોણ?’

અનેક જણે હરમનપ્રીતની પોસ્ટ વિશે કમેન્ટ આપી છે. એક જણે હરમનના સવાલના જવાબમાં આમ લખ્યું છેઃ અરીસો ક્યારેય જુઠું ન બોલે, અસલી તો તું જ છો.

આ વિડિયોને ઈન્સ્ટાગ્રામ પર બે લાખથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે.

હાલ લોકડાઉનને કારણે ક્રિકેટની રમત રમવાનું પ્રતિબંધિત છે ત્યારે ભારતની ટ્વેન્ટી-20 મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર ઘરમાં અનેક કામ કરે છે. એની તસવીરો એણે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે, જેમ કે એ રસોઈ બનાવે છે, માસ્ક સીવે છે, શાંતિથી ચા પીવે છે.

પુરુષ ક્રિકેટ ટીમનો ખેલાડી શ્રેયસ ઐયર પણ એના ઘરમાં રહીને મેજિક ટ્રિક્સ બતાવતો હોય છે.

હરમનપ્રીત કૌરે આ બોલ-ટ્રિક બતાવીને જાણે ઐયરને ચેલેન્જ ફેંકી છે.

હરમનપ્રીત કૌરનાં નેતૃત્ત્વમાં ભારતીય ટીમ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી, પણ ત્યાં ઓસ્ટ્રેલિયા સામે એનો પરાજય થયો હતો. જોકે આખી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમના દેખાવે સૌ કોઈનું દિલ જીતી લીધું હતું.