ભારતે પાંચ વિકેટથી જીતી ચોથી ટેસ્ટ મેચ

રાંચીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ચોથી મેચના ચોથા દિવસે ભારતે મેચ જીતી લીધી છે. આ સાથે ભારતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પર કબજો કરી લીધો છે. ભારતીય ટીમ એક સમયે સંકટમાં હતી અને ટીમની પાંચ વિકેટ પડી ગઈ હતી. આવામાં શુભમન ગિલ અને ધ્રુવ જુરેલની જોડીની ભાગીદારીએ ભારતને જીત અપાવી હતી. બેન સ્ટોકસની કેપ્ટનશિપમાં પહેલી વાર સિરીઝ ઇંગ્લેન્ડ હાર્યું છે.

ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે 37 ઓવરમાં ત્રણ વિકેટે 118 રન બનાવી લીધા હતા અને જીત માટે 74 રન બાકી હતા. ત્યાર બાદ 120 રને રવીન્દ્ર જાડેજાની ચોથી વિકેટ પડી હતી અને 120 રને જ સરફરાઝ ખાનની પાંચમી વિકેટ પડી હતી.

ત્યાર બાદ શુભમન ગિલે અને ધ્રુવ જુરૈલે બાજી સંભાળી હતી અને ભારતને જીત અપાવી હતી. બીજી ઇનિંગ્સમાં ભારતીય ટીમને જીતવા માટે 192 રનનો લક્ષ્યાંક હતો. બીજી ઇનિંગ્સમાં રોહિત શર્માએ (55) યશસ્વી જયસ્વાલે (37), રજત પાટીદાર (0), રવીન્દ્ર જાડેજા (ચાર), સરફરાઝ ખાન (0) રન બનાવ્યા હતા, જ્યારે શુભમન ગિલ (52) અને ધ્રુવ જુરૈલે નોટ આઉટ (39) રન બનાવ્યા હતા.

આ પહેલાં ઇંગ્લેન્ડે ચોથી ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ લીધી હતી અને ટીમે 353 રન બનાવ્યા હતા, જ્યારે ભારત 307 રન બનાવ્યા હતા. આમ ઇંગ્લેન્ડને 46 રનની લીડ મળી હતી. જોકે ટીમ એનો લાભ નહોતી ઉઠાવી શકી.

ઇંગ્લેન્ડ બીજી ઇનિંગ્સમાં માત્ર 145 રન બનાવી શકી અને ભારતે આ મેચ પાંચ વિકેટે જીતીને ટેસ્ટ સિરીઝ પર કબજો જમાવ્યો હતો.