કેન્ડી (શ્રીલંકા): ટીમદીઠ 50 ઓવરોવાળી મેચોની એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે બીજી સપ્ટેમ્બરના શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની, જે મેચ અહીંના પલ્લીકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. પણ એ મેચમાં વરસાદ વિલન બની શકે છે અને મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય એવુંય બની શકે છે.
એ દિવસે બપોર પછી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની એક્યૂવેધર કંપનીએ આગાહી કરી છે. એને કારણે બંને દેશના ક્રિકેટપ્રેમીઓમાં નિરાશા છવાઈ ગઈ છે. ખાનગી વેધશાળા એક્યૂવેધરનું અનુમાન છે કે શનિવારે કેન્ડીમાં સવારના ભાગમાં વરસાદ પડવાની 94 ટકા સંભાવના છે. પરંતુ સમય આગળ વધશે તેમ એ સંભાવના ઘટતી જશે. જેમ કે, બપોરે 74 ટકા અને સાંજે 67 ટકા. એશિયા કપ સ્પર્ધા પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્તપણે યોજાઈ રહી છે. બધી મેચો ડે-નાઈટ છે. શ્રીલંકામાંની મેચો ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યાથી શરૂ થાય છે. ટોસ અઢી વાગ્યે ઉછાળવામાં આવે છે. ગઈ કાલથી શરૂ થયેલી સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન ગ્રુપ-Bમાં છે. ત્રીજી ટીમ છે નેપાળ. ગઈ કાલે સ્પર્ધાની પ્રારંભિક મેચમાં પાકિસ્તાને નેપાળને 238 રનથી પરાજય આપ્યો હતો.
વરસાદની આગાહીને કારણે શનિવારની મેચ વિશે અત્યારથી જ તૈયારી કરવાનો આયોજકો પાસે પૂરતો સમય છે. વરસાદ વિલન બને તો મેચને 20-20 ઓવરોવાળી પણ કરી શકાય. ધારો કે બંને ટીમને પોઈન્ટ્સ વહેંચી દેવામાં આવશે તો પાકિસ્તાન ગ્રુપની ટોચની ટીમ બનીને આપોઆપ સુપર-4 રાઉન્ડમાં પહોંચી જશે. ભારતે ત્યારબાદ 4 સપ્ટેમ્બરે નેપાળને હરાવવું જ પડશે. ઉલ્લેખનીય છે કે, 2019માં, માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફ્ફર્ડ મેદાન પર વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ વરસાદે વિઘ્ન નાખ્યું હતું. તે મેચમાં ભારત ડીએલએસ પદ્ધતિ અનુસાર 89 રનથી વિજયી બન્યું હતું.