કાનપુરઃ અહીંના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાતી પહેલી ટેસ્ટ મેચને ભારતના કામચલાઉ કેપ્ટન અજિંક્ય રહાણેએ ટીમનો બીજો દાવ આજે ચોથા દિવસે ડિકલેર કરીને રસપ્રદ બનાવી દીધી છે. રહાણેએ ભારતનો બીજો દાવ 7 વિકેટે 234 રને ડિકલેર કરીને ન્યૂઝીલેન્ડને મેચ જીતવા માટે 284 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતની ધરતી પર કોઈ પણ વિદેશી ટીમ ચોથા દાવમાં 276થી વધારે રન કરીને ટેસ્ટ મેચ જીતી શકી નથી. ભારતે પ્રવાસી ટીમ ઉપર પહેલા દાવમાં 49 રનની લીડ મેળવી હતી. આજે બીજો દાવ ડિકલેર કરાયો ત્યારે વિકેટકીપર રિદ્ધિમાન સહા 61 રન અને અક્ષર પટેલ 28 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. આ દાવમાં પણ સૌથી વધારે રન કરી ગયો શ્રેયસ ઐયર, જેની કારકિર્દીની આ પહેલી જ ટેસ્ટ છે. એ 65 રન કરીને આઉટ થયો હતો. પહેલા દાવમાં એણે 105 રન કર્યા હતા.
ડેબ્યૂ ટેસ્ટના પહેલા દાવમાં સદી અને બીજા દાવમાં અડધી સદી કરીને 26-વર્ષીય ઐયરે એક ભારતીય વિક્રમ સ્થાપ્યો છે. આ સિદ્ધિ હાંસલ કરનાર તે એકમાત્ર ભારતીય છે. સમગ્ર ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરનાર એ 10મો બેટ્સમેન છે. ડેબ્યૂ ટેસ્ટના બંને દાવમાં અડધી સદી કરનાર બે ભારતીય બેટ્સમેન છેઃ દિલાવર હુસેન અને સુનીલ ગાવસકર. હુસેને 1933-34માં કોલકાતામાં ઈંગ્લેન્ડ સામે 59 અને 57 રન કર્યા હતા. ગાવસકરે 1970-71માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની પહેલી જ ટેસ્ટમેચમાં 65 અને 67 રન કર્યા હતા. આમ, સુનીલ ગાવસકર સાથે ઐયરે પોતાનું નામ જોડ્યું છે, પણ ગાવસકર કરતાંય મોટી સિદ્ધિ હાંસલ કરી બતાવી છે.
