CWG2018ની પૂર્ણાહુતિઃ ભારત થર્ડ બેસ્ટ, મનિકા ધ બેસ્ટ…

21મી કોમનવેલ્થ ગેમ્સ – રાષ્ટ્રકૂળ રમતોત્સવનું આજે ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા)માં સમાપન થયું છે. 11 દિવસ સુધી ચાલેલા આ રમતોત્સવમાં ભારત 26 સુવર્ણ ચંદ્રક અને કુલ 66 મેડલ્સ સાથે ચંદ્રકોની યાદીમાં ત્રીજા સ્થાને રહ્યું.

ભારતીય સંઘનો આ વખતનો દેખાવ તમામ કોમનવેલ્થ ગેમ્સમાં ત્રીજા ક્રમનો બેસ્ટ રહ્યો છે.

ભારતે ગેમ્સના છેલ્લા દિવસે સાત મેડલ્સ જીત્યા અને કુલ 26 સુવર્ણ, 20 રજત અને 20 કાંસ્ય ચંદ્રકો મેળવીને મેડલ્સ યાદીમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બાદ ત્રીજા સ્થાને રહ્યું. ઓસ્ટ્રેલિયાએ કુલ 198 મેડલ્સ જીત્યા છે તો ઈંગ્લેન્ડે 166.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો બેસ્ટ દેખાવ 2010માં દિલ્હી ગેમ્સમાં રહ્યો હતો. એ વખતે ભારત 101 મેડલ્સ જીત્યા હતા જેમાં 38 ગોલ્ડ, 27 સિલ્વર અને 36 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

ભારતનો બીજા નંબરનો બેસ્ટ દેખાવ 2002માં માન્ચેસ્ટર ગેમ્સ વખતે રહ્યો હતો. ત્યારે ભારતે 30 સુવર્ણ, 22 રજત અને 17 કાંસ્ય સાથે 69 મેડલ્સ જીત્યા હતા.

આજે છેલ્લા દિવસે, મહિલાઓની બેડમિન્ટનમાં, સિંગલ્સ ફાઈનલમાં સાઈના નેહવાલે પી.વી. સિંધુને 21-18, 23-21થી પરાજય આપ્યો અને ભારતે ગોલ્ડ અને સિલ્વર જીત્યા. નેહવાલે 2010ની દિલ્હી ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો જ્યારે સિંધુએ 2014ની ગ્લાસગો ગેમ્સમાં કાંસ્ય જીત્યો હતો.

શ્રીકાંત પુરુષોની બેડમિન્ટન સિંગલ્સમાં મલેશિયાના દંતકથાસમા લી ચોંગ વેઈ સામે 19-21, 21-14, 21-14 લડત આપીને હારી ગયો હતો અને એને રજત મળ્યો હતો. લીએ આ પાંચમી વાર ગેમ્સનો ગોલ્ડ જીત્યો છે.

શ્રીકાંતને સિંગલ્સમાં રજત મળ્યો

પુરુષોની બેડમિન્ટન ડબલ્સ હરીફાઈમાં, સાત્વિક રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો ઈંગ્લેન્ડની જોડી સામે પરાજય થતાં રજતચંદ્રક મળ્યો હતો.

સ્ક્વોશમાં, ગઈ વેળાની ચેમ્પિયન ભારતીય જોડી દીપિકા પલ્લીકલ અને જોશના ચિનપ્પાનો મહિલા ડબલ્સમાં ન્યુ ઝીલેન્ડની જોડી સામે 9-11, 8-11થી પરાજય થતાં સિલ્વર મળ્યો છે. વર્તમાન ગેમ્સમાં જોશનાનો આ પહેલો મેડલ છે જ્યારે દીપિકાએ મિક્સ્ડ ડબલ્સમાં સૌરવ ઘોષાલ સાથે જોડી બનાવીને રજત જીત્યો હતો.

સ્ક્વોશ ખેલાડીઓઃ દીપિકા પલ્લીકલ, જોશના ચિનપ્પા અને સૌરવ ઘોષાલ

ટેબલ ટેનિસ સ્ટાર અચંત શરત કમલે મેન્સ સિંગલ્સમાં ઈંગ્લેન્ડના હરીફને 11-7, 11-9, 9-11, 11-6, 12-10થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

આજે છેલ્લા દિવસે કુલ 17 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા. એમાં એથ્લેટિક્સમાં 4, બેડમિન્ટનમાં 5, બાસ્કેટબોલમાં 1, નેટબોલમાં 1, રગ્બી સેવન્સમાં 2, સ્ક્વોશમાં 2 અને ટેબલ ટેનિસમાં 2 મેડલ આપવામાં આવ્યા.

મનિકા બત્રાઃ બે ગોલ્ડ સહિત કુલ 4 મેડલની વિજેતા

આ વખતની ગેમ્સની ખોજ કહો કે બેસ્ટ ભારતીય ખેલાડી કહો તો એ છે 22 વર્ષની ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રા. એણે આજે મિક્સ્ડ ડબલ્સ હરીફાઈમાં સાથિયાન જ્ઞાનસેખરન સાથે મળીને કાંસ્ય ચંદ્રક મેચ જીતી હતી. એમણે ભારતની જ જોડી – શરત કમલ અને મૌમા દાસને 11-6, 11-2, 11-4થી પરાજય આપ્યો હતો.

ટેબલ ટેનિસમાં ભારતે કુલ 8 મેડલ્સ જીત્યા છે.

આ વખતની ગેમ્સમાં કુસ્તીબાજ સુશીલકુમાર, બોક્સર મેરી કોમ, સાઈના-સિંધુ જેવા જાણીતા ખેલાડીઓ/એથ્લીટ્સે તો પોતપોતાની હરીફાઈમાં મેડલ જીતી બતાવ્યા, પણ ભારતની બેસ્ટ ખેલાડી સાબિત થઈ છે, દિલ્હીનિવાસી મનિકા બત્રા.

મનિકા એક જ ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતનાર મહિલા બની છે. ટીમ ઈવેન્ટ વખતે એણે વર્લ્ડ નંબર-4 અને ઓલિમ્પિક મેડલિસ્ટ ફેન્ગ તેન્વાઈને હરાવી એ સાથે જ મનિકાએ સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. મનિકાની એ જીતે ટીમમાં નવો પ્રાણ પૂર્યો હતો અને ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો હતો. એ સાથે જ ભારતે આ હરીફાઈમાં સિંગાપોરના વર્ચસ્વનો અંત લાવી દીધો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં આ પહેલાં સિંગાપોરની મહિલા ટીમ ક્યારેય હારી નહોતી.

વિશ્વમાં 58મો ક્રમ ધરાવતી મનિતા બત્રાએ ત્યારબાદ વ્યક્તિગત હરીફાઈઓમાં પણ પોતાનું જોરદાર ફોર્મ જાળવી રાખ્યું હતું અને સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો અને અન્ય બે હરીફાઈમાં પણ ચંદ્રક જીત્યા. એણે વર્લ્ડ નંબર-4 ખેલાડીને ફરી હરાવી હતી અને ગોલ્ડ મેડલ જીતનાર પહેલી ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની છે.

મનિકા બત્રા પાસે ભારતે આગામી એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સમાં વધારે સારા દેખાવની આશા રાખી શકે છે.

મનિકા ઉપરાંત ગૌરવ સોલંકી, ઓમપ્રકાશ મિઠરવાલ, નમન તંવર, મોહમ્મદ અનસ, ચિરાગ શેટ્ટી, સાત્વિક સાઈરાજ જેવા ખેલાડીઓએ પણ એમના દેખાવ દ્વારા પ્રભાવિત કર્યા છે.