ઢાકાઃ મનદીપ સિંહના નેતૃત્ત્વ હેઠળની ભારતની હોકી ટીમે અહીં રમાતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી-2021 સ્પર્ધામાં આજે રાઉન્ડ-રોબિન તબક્કામાં જાપાનને 6-0થી કચડી નાખ્યું અને વર્તમાન સ્પર્ધામાં અપરાજિત વિજયકૂચ જાળવી રાખી છે. આજની મેચમાં હરમનપ્રીત સિંહે 10મી અને 43મી મિનિટે ગોલ કર્યો હતો જ્યારે દિલપ્રીત સિંહે 23મી, જરમનપ્રીત સિંહે 34મી, સુમિતે 46મી અને શમશેર સિંહે 54મી મિનિટે ગોલ કર્યો હતો. ગોલકીપર સૂરજ કરકેરાના જોરદાર દેખાવને કારણે જાપાની ખેલાડીઓ ભારત સામે એકેય ગોલ કરી શક્યા નહોતા.
ટોક્યો ઓલિમ્પિક્સ-2021ની કાંસ્યચંદ્રક વિજેતા ભારતીય ટીમે ટોપ પર રહીને લીગ તબક્કો સમાપ્ત કર્યો છે. હવે તે મંગળવારે સેમી ફાઈનલ મેચ રમશે. ત્યાં ભારતનો મુકાબલો રાઉન્ડ-રોબિન લીગમાં ચોથા ક્રમે આવનાર ટીમ સામે થશે. સાઉથ કોરિયાની ટીમ પણ સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે. રાઉન્ડ રોબિનમાં તે ભારત પછી, બીજા ક્રમે છે. ભારતે તેની 4માંથી 3 મેચ જીતી છે અને એક મેચ ડ્રોમાં ગઈ હતી. ભારતીય ટીમ 10 પોઈન્ટ સાથે મોખરે છે. ભારતીય ટીમ સતત ત્રીજી વાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતાપદ હાંસલ કરવાના પ્રયાસમાં છે. તેણે આ વિજેતાપદ 2016 અને 2018માં જીત્યું હતું. વર્તમાન સ્પર્ધામાં એશિયાની પાંચ ટીમ રમે છે – ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, જાપાન અને સાઉથ કોરિયા. મલેશિયાની ટીમ સ્પર્ધામાંથી ખસી ગઈ છે.
(તસવીર સૌજન્યઃ @TheHockeyIndia)