નિશાનચૂકઃ ચાર મહિનામાં ચાર શૂટરે આત્મહત્યા કરી

કોલકાતાઃ દેશમાં કોનિકા લાયકના મોત સાથે ભારતીય શૂટર્સે આત્મહત્યા કર્યાનો ચોથો કિસ્સો છે. ભારતીય રાઇફલ શૂટર કોનિકા લાયકે 15 ડિસેમ્બરે આત્મહત્યા કરી છે. તે 26 વર્ષીય હતી. કોલકાતાની બલ્લી આવેલી હોસ્ટેલમાં તેની રૂમમાં તેણે ગળે ફાંસો ખાધો હતો. આ શૂટર મૂળ ઝારખંડના ધનબાદની રહેવાસી હતી  અને તે ઓલિમ્પિયન અને અર્જુન એવોર્ડવિજેતા જોયદીપ કર્માકરની એકેડેમીમાં શૂટિંગની તાલીમ લઈ રહી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

કોનિકા ક્વોલિફાય થવા છતાં રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ નહોતી લઈ શકે, જેથી તે ન્યૂઝમાં હતી. કોનિકા તેની વ્યક્તિગત રાઇફલ પણ ખરીદી નહોતી શકતી. બોલીવૂડ એક્ટર સોનુ સૂદે તેનો સંપર્ક કર્યો હતો અને તેને એક રાઇફલ આપી હતી. એ પછી તેણે કર્માકરનો સંપર્ક સાધ્યો હતો અને તેની એકેડમીમાં તાલીમ માટે સંપર્ક સાધ્યો હતો, જે પછી કર્માકરે તેના બધા ખર્ચાઓ માફ કરી દીધા હતા.

લાયક પહેલાં 2021માં લિમામાં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર 17 વર્ષીય ખુશ સીરત કૌરે 17 દિવસ પહેલાં પિસ્તોલથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. એ પહેલાં રાજ્ય કક્ષાના શૂટર હુનરદીપ સિંહ સોહેલે એક ઇજાને કારણે શૂટિંગ કેરિયરમાં મુશ્કેલીઓ આવતાં ઓક્ટોબરમાં આત્મહત્યા કરી હતી. એ પહેલાં સપ્ટેમ્બરમાં નમનવર સિંહ બ્રારે આત્મહત્યા કરી હતી. હાલમાં શૂટરોએ કરેલી આત્મહત્યા ભારતીય શૂટિંગ ક્ષેત્રે ચિંતા ઊભી કરે છે. બ્રારે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે મોહાલીમાં ઘરે આત્મહત્યા કરી હતી.

કર્માકરે હાલમાં ઘટેલા ઘટનાક્રમ વિશે બોલતાં કહ્યું હતું કે કોનિકા શું વિચારતી હતી, એનો કોઈ અંદાજ નથી, પણ છેલ્લા ઘણા દિવસોમાં તાલીમ લેવામાં તે ઘણી અનિયમિત હતી.