જગદીશ ઠાકોરઃ જીતનો જશ મેળવશે કે પછી…?

કેતન ત્રિવેદી (ગાંધીનગર)

હમણાં સોશિયલ મિડીયામાં એક વિડીયો વાઇરલ થયો છે. વિડીયોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોર એક જાહેરસભામાં આક્રમક અંદાજમાં ગુજરાતમાં ભાજપના પચીસ વર્ષના શાસનને પડકારતાં આક્રમક અંદાજમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવતાં કહે છે, અમારી સરકાર બને અને એક એક ઘરમાં બે બે નોકરીઓ ન આપીએ તો સમજજો અમારી જણનારીમાં ફેર હતો… એ પહેલાં પ્રદેશ પ્રમુખ બનતાવેંત જ એ આગામી ચૂંટણીમાં ભાજપના ભૂક્કા બોલાવી દેવાના હાકલા-પડકારા કરી ચૂક્યા છે.

કોંગ્રેસ હોય કે ભાજપ, રાજકારણમાં નવી વ્યક્તિ હોદ્દો સંભાળે એટલે આવી આક્રમકતા સાથે જ શરૂઆત કરે એમાં કોઇ નવાઇ નથી, પણ ગુજરાતમાં અત્યારે કોંગ્રેસની જે હાલત છે અને જે સંજોગોમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની નિમણૂંક થઇ છે એ સંજોગોમાં જગદીશભાઇની આવી આક્રમકતા સહેજ નવાઇ પમાડે એવી લાગે. ગુજરાતમાં કોંગ્રેસ છેક પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી લગભગ સાફ થઇ ચૂકી છે અને સંગઠનમાં કાર્યકરોનો આત્મવિશ્વાસ છેક તળિયે છે ત્યારે એમના નવા સુકાનીનો આવો આત્મવિશ્વાસ સંગઠનમાં પ્રાણ ફૂંકી શકશે કે કેમ એવો સવાલ પણ થાય.

મૂળ બનાસકાંઠાના કાંકરેજના વતની એવા જગદીશ ઠાકોર આમ તો સહજ સ્વભાવના અને મિતભાષી નેતા છે. હસમુખા છે. અગાઉ સંગઠનમાં એ પ્રદેશ ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દાઓ પર કામ કરી ચૂક્યા છે. છેક 1973થી વિદ્યાર્થી નેતા તરીકે જાહેરજીવનનો આરંભ કરનાર જગદીશભાઇ અગાઉ વર્ષ 2002 અને 2007માં દહેગામ બેઠક પરથી ચૂંટાઇને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2009માં પાટણ બેઠક પરથી ચૂંટાઇને એ સંસદસભ્ય પણ બન્યા. આ સમયગાળામાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો સૂરજ તપતો હતો અને એ વખતમાં કોંગ્રેસના જે કેટલાક નેતાઓ આપબળે વિધાનસભા-લોકસભામાં ચૂંટાયા હતા એમાં જગદીશભાઇનો સમાવેશ થાય છે.

પણ અત્યારે સ્થિતિ અલગ છે. એ વખતે જગદીશભાઇએ પોતાની બેઠક પર જીતવાનું હતું, જ્યારે આ વખતે એમણે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાના છે. પચીસ વર્ષથી સત્તાના સ્વાદથી વંચિત કોંગ્રેસને સત્તામાં કે ઇવન સત્તાથી નજીક લાવવાનું કામ ય હિમાલયન ટાસ્ક છે.

એમના માટે સૌથી મોટો પડકાર કોંગ્રેસમાં જ્ઞાતિ સમીકરણોને બેલેન્સ કરવાનો છે. માનો કે ન માનો, પણ ગુજરાતની ગાદી મેળવવા કોઇપણ પક્ષને પટેલ મતદારોનો સપોર્ટ જરૂરી છે. કોંગ્રેસ પાસે આમેય પટેલ નેતાઓ કે મતદારો નથી. ઉલ્ટાનું, પરેશ ધાનાણીની જગ્યાએ આદિવાસી નેતૃત્વને વિરોધ પક્ષના નેતા બનાવ્યા પછી પટેલ મતબેંક પક્ષ માટે કસોટી બનવાની છે. હાર્દિક પટેલ કહેવા માટે કાર્યકારી અધ્યક્ષ છે, પણ કોંગ્રેસમાં હજુ એમનો ચોકો નોખો અને નાનો છે. એકબાજુ ભાજપે પટેલ મુખ્યમંત્રી બનાવ્યા અને સામે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા તરીકે પટેલ હતા એમને ય હટાવ્યા એ મુદ્દો જગદીશ ઠાકોરને પજવ્યા વિના રહેવાનો નથી. અત્યાર સુધી ડી-ફેક્ટો પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યરત ભરતસિંહ સોલંકી હમણાં પટેલ સમાજના અગ્રણી ખોડલધામવાળા નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક કરી આવ્યા છે, પણ નરેશ પટેલ શું વલણ લેશે કે પછી એ ગાજે એટલા વરસી શકે કે કેમ એ સવાલ છે, કેમ કે સામે ભાજપની પટેલ નેતાગિરી હજુ મજબૂત છે. એક ચર્ચા એવી ય છે કે, ઓબીસી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ અને આદિવાસી સમાજમાંથી વિરોધ પક્ષના નેતા પસંદ કરીને કોંગ્રેસ પોતાની જૂની ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમની ખામ થિયરી અજમાવવા માગે છે, પણ 1985માં અમલમાં મૂકાયેલી એ થિયરી પછી ગુજરાતમાં નરેન્દ્ર મોદી 2007 અને 2012માં પટેલોના કહેવાતા વિરોધ વચ્ચે ય સફળતાપૂર્વક સોશિયલ એન્જિનિયરીંગ કરી ચૂક્યા છે અને કોંગ્રેસની આ પરંપરાગત મતબેંકમાં મસમોટું ગાબડું પાડી ચૂક્યા છે. વેરવિખેર થઇ ચૂકેલા આ જ્ઞાતિ-જાતિગત સમીકરણનો નવેસરથી બેલેન્સ કરવા એ એમના માટે સૌથી મોટો પડકાર છે.

બીજો મોટો પડકાર છે પોતાની રાજ્યવ્યાપી નેતૃત્વની ઇમેજ બનાવવાનો. જગદીશભાઇ ઉત્તર ગુજરાતમાં જાણીતા ખરા, પણ એ સિવાય ગુજરાતવ્યાપી નેતા તરીકે સ્વીકૃત થવાનું એમને બાકી છે. ગુજરાતમાં 1998માં કેશુભાઇ અને પછી નરેન્દ્ર મોદી એમ તમામ ચૂંટણીઓ મોટાભાગે નેતૃત્વના નામે લડાઇ છે અને કોંગ્રેસ મજબૂત રાજ્યવ્યાપી નેતૃત્વના અભાવે હારી છે.

અને મુશ્કેલી એ છે કે આ ઇમેજ બનાવવા જગદીશભાઇ પાસે સમય બિલકુલ નથી એ ત્રીજો એનાથી ય મોટો પડકાર છે. પરિસ્થિતિનો લાભ લઇને ભાજપ એપ્રિલ-મેની આસપાસ વહેલી ચૂંટણી કરાવે એવી શક્યતા ય સાવ નકારાતી નથી. આ સંજોગોમાં જગદીશભાઇ હજુ સંગઠનને સમજે, રાજ્યવ્યાપી પ્રવાસ કરીને પરિસ્થિતિનો તાગ મેળવે ત્યાં તો ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા હશે. ડિસેમ્બર 2022માં નિયત સમયે ચૂંટણી થાય તો ય એમની પાસે વધારે સમય નથી. હજુ પક્ષની કાયમી સમસ્યા બની ચૂકેલા આંતરિક જૂથબંધી અને સંગઠનમાં શિસ્તનો અભાવ જેવા અન્ય પડકારો તો મોં ફાડીને ઊભેલા જ છે.

આ સંજોગોમાં જગદીશભાઇ ઓછી રાતમાં કેટલા વેશ ભજવી શકે છે એના પર આધાર છે.

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]