મુંબઈઃ યશ ઢુલની આગેવાની હેઠળ ભારતના 19-વર્ષની નીચેની વયના ક્રિકેટરોએ ગઈ કાલે એન્ટીગ્વામાં આઈસીસી યોજિત U19-વર્લ્ડ કપ સ્પર્ધા જીતી. ફાઈનલ મેચમાં તેમણે ઈંગ્લેન્ડને 4-વિકેટથી પરાજય આપ્યો. ભારતે આ પાંચમી વખત આ વર્લ્ડ કપ ચેમ્પિયનપદ પ્રાપ્ત કર્યું છે. ઢુલ અને તેના સાથીઓ પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. બીજી કોઈ પણ ટીમ ત્રણથી પણ વધારે વખત આ ટ્રોફી જીતી શકી નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) તરફથી ભારતની વિજેતા ટીમને ટ્વિટર ઉપર અભિનંદન આપવામાં આવ્યા છે. 2011માં સિનિયર મેન્સ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના પ્લેયર ઓફ ધ સિરીઝ યુવરાજ સિંહ, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોન.
પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું છે, ‘આપણા યુવા ક્રિકેટરો પર ખૂબ જ ગર્વ છે. આઈસીસી અન્ડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને અભિનંદન. ઉચ્ચતમ સ્તર પર એમનો શાનદાર દેખાવ દર્શાવે છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત અને સક્ષમ હાથોમાં છે.’
યશ ઢુલે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન સર રિચી રિચર્ડસનના હસ્તે વિજેતા ટ્રોફી મેળવી હતી. આ પહેલાં ભારતે 2000, 2008, 2012 અને 2018માં વિજેતાપદ હાંસલ કર્યું હતું. એ સિદ્ધિ હાંસલ કરનાર કેપ્ટનો અનુક્રમે છે – મોહમ્મદ કૈફ, વિરાટ કોહલી, ઉન્મુક્ત ચંદ અને પૃથ્વી શૉ.
ગઈ કાલની ફાઈનલમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જેમ્સ પ્રેસ્ટએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. મધ્યમ ઝડપી બોલર રાજ બાવાએ પાંચ-વિકેટનો તરખાટ મચાવતાં ઈંગ્લેન્ડ ટીમ 44.5 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતે 47.4 ઓવરમાં 6-વિકેટના ભોગે 195 રન કરીને મેચ અને સ્પર્ધા જીતી લીધી હતી. વિકેટકીપર દિનેશ બાનાએ ફૂલ ટોસ બોલમાં સિક્સર ફટકારી હતી, જે ભારતનો વિજયી શોટ બન્યો હતો. તે પાંચ બોલમાં બે સિક્સર સાથે 13 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. સામે છેડે નિશાંત સિંધુ 54 બોલમાં પાંચ ચોગ્ગા, એક છગ્ગા સાથે 50 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. વન-ડાઉન બેટ્સમેન શેખ રશીદે 84 બોલમાં 50 રન કર્યા હતા. હરનૂર સિંહે 21, યશ ઢુલે 17, રાજ બાવાએ 35 રન કર્યા હતા. ઈંગ્લેન્ડના દાવમાં, કેપ્ટન પ્રેસ્ટ પોતે ઝીરો પર આઉટ થયો હતો. જેમ્સ રૂ (95) અને જેમ્સ સેલ્સ (34 નોટઆઉટ)ની જોડીએ ભારતના બોલરોનો પ્રતિકાર કરીને 8મી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી. ડાબોડી મધ્યમ ઝડપી બોલર રવિકુમારે પ્રેસ્ટ સહિત ચાર વિકેટ લીધી હતી. રાજ બાવા (9.5 ઓવરમાં 31 રનમાં પાંચ વિકેટ અને 35 રન)ને ઓલરાઉન્ડ દેખાવ બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ સૌથી વધુ (506) રન કરનાર દક્ષિણ આફ્રિકાના લેગબ્રેક બોલર ડીવોલ્ડ બેવિસે જીત્યો છે.