લાહોરઃ આઈસીસી વર્લ્ડ કપ-2023 સ્પર્ધાનું કવરેજ કરવા માટે ભારત આવેલી જાણીતી સ્પોર્ટ્સ પ્રેઝન્ટર ઝૈનબ અબ્બાસને સ્પર્ધા પૂરી થાય એ પહેલાં જ ભારતમાંથી રવાના થઈ જવું પડ્યું છે. ઝૈનબે હિન્દુત્વ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હોવાની એક લૉયરે ફરિયાદ નોંધાવ્યા બાદ ઝૈનબને ભારત છોડવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઝૈનબ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2023ની કોમેન્ટરી પેનલની એક સભ્ય હતી. તે હૈદરાબાદમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચ વખતે સ્ટેડિયમમાં હાજર હતી, પરંતુ તે પછી એને ભારત છોડી જવાનું કહેવામાં આવ્યું હતું. એ પછી એવી વાત સાંભળવા મળી હતી કે હિન્દુત્વ વિશેના વિવાદાસ્પદ ટ્વીટને કારણે એને ભારતમાંથી તગેડી મૂકવામાં આવી છે. જોકે આઈસીસી સંસ્થાએ ખુલાસો કર્યો હતો કે ઝૈનબને ભારતમાંથી ડિપોર્ટ કરવામાં નથી આવી, પરંતુ સલામતીના કારણોસર એણે પોતે જ વર્લ્ડ કપની અધવચ્ચે જ ભારતમાંથી જતાં રહેવાનો નિર્ણય લીધો હતો. હવે આ મામલે ખુદ ઝૈનબે જ મૌન તોડ્યું છે.
ઝૈનબે X પ્લેટફોર્મ પર પોતાનાં હેન્ડલ પર એક નોંધ મૂકી છે. એમાં તેણે આમ લખ્યું છે: ‘હું કાયમ સ્વયંને પ્રવાસ કરવામાં અને મારી ફેવરિટ રમતને પ્રસ્તુત કરવાના અવસરો પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ભાગ્યશાળી અને આભારી મહેસુસ કરું છું. વર્લ્ડ કપ-2023 સ્પર્ધા એ રીતે મારે માટે વિશેષ બની હોત. મને ન તો ભારતમાંથી ચાલ્યા જવાનું કહેવામાં આવ્યું હતું અને ન તો મને ડિપોર્ટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર મારી અમુક જૂની પોસ્ટ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ હતી એટલે મને ડર લાગ્યો હતો. મારાં પરિવારજનો પણ ચિંતિત હતાં એટલે મેં પોતે જ ભારતમાંથી જતાં રહેવાનો નિર્ણય લીધો હતો. સર્ક્યૂલેટ થયેલી તે પોસ્ટને કારણે લોકોની લાગણી દુભાઈ એ હું સમજી શકું છું અને એનો મને બેહદ અફસોસ છે. એવી ભાષાનો ઉપયોગ કરવા બદલ મારે કોઈ બહાનું બતાવવું નથી અને હું જે લોકોની લાગણી દુભાઈ હોય એ તમામની હું હૃદયપૂર્વક માફી માગું છું.’
શું છે મામલો?
જ્યારે પાકિસ્તાની સ્પોર્ટ્સ એન્કર ઝૈનબ વર્લ્ડ કપ-2023 કવર કરવા માટે ભારત આવી પહોંચી હતી ત્યારે સોશિયલ મીડિયા પર એનાં જૂનાં ટ્વીટ્સ વાઈરલ થયા હતા, જેમાં ભારતના હિન્દુ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટનો સમાવેશ હતો. પોસ્ટમાં એમ લખવામાં આવ્યું હતું કે, ‘પાકિસ્તાનની સરખામણીમાં ભારતના બોલરો એટલા માટે સારા નથી કે એ લોકો માંસ ખાતા નથી. ભારતની 120 કરોડની જનતા એક સારો બોલર મેળવી શકતી નથી. શુદ્ધ શાકાહારીઓ થોડુંક માંસ ખાવાનું શરૂ કરો.’ આ પોસ્ટ વાઈરલ થતાં જ ભારતમાં ઝૈનબની આકરી ટીકા કરવામાં આવી હતી અને તે જબરદસ્ત રીતે ટ્રોલ થઈ હતી.
ઝૈનબ પરણેલી છે. 2019માં લાહોરમાં એણે હમઝા કારદાર સાથે લગ્ન કર્યાં હતાં. એ લાહોરના સ્થાનિક ક્રિકેટર નાસીર અબ્બાસ અને એમનાં રાજકારણી પત્ની અંદલીબ અબ્બાસની પુત્રી છે.