અન્ડર-19 વિશ્વકપ: ભારતે રચ્યો ઈતિહાસ, ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયન

બૅ ઓવલ- અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે કારમો પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને મેચ જીતવા 217 રનનો પડકાર આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે અંડર-19 વર્લ્ડકપમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતે 38 ઓવરમાં 220 રન બનાવીને આ મેચ જીતી લીધી છે.217 રનના ટાર્ગેટનો પીછો કરતાં ટીમ ઈન્ડિયાની શરુઆત મજબૂત રહી હતી. કેપ્ટન પૃથ્વી શૉ અને મનજોત કાલરા વચ્ચે ઓપનિંગ જોડીની 71 રનની ભાગીદારી નોંધાઈ હતી. પૃથ્વી શૉ  29 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે મનજોત કાલરા 101 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. આ સાથે જ ભારતીય અન્ડર 19 ટીમે ચોથી વાર વિશ્વકપ જીતવામાં સફળતા મેળવી છે. આ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને ત્રણ-ત્રણ વાર અન્ડર-19 વિશ્વકપ જીતી ચુક્યાં છે.

આ પહેલાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલર્સની ચુસ્ત બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન પહેલેથી જ લાચાર જણાયાં હતા. ઓસ્ટ્રેલિયાએ 59 રનના સ્કોરે 3 ખેલાડી ગુમાવી દીધા હતાં. જોકે ત્યારબાદ પરમ ઉપ્પલ અને જોનાથન મેરલોએ ઓસ્ટ્રેલિયાની ઈનિંગને સ્થિરતા આપી હતી અને ચોથી વિકેટ માટે 75 રનની ભાગીદારી નોંધાવી હતી. 134 રનના સ્કોરે ઓસ્ટ્રેલિયાને પરમ ઉપ્પલના રુપમાં ચોથી વિકેટ ગુમાવી હતી.

એ સમયે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્કોર નોંધાવશે તેમ લાગતું હતું પરંતુ 183 રનના સ્કોરે પાંચમી વિકેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પત્તાના મહેલની જેમ પડી ગઈ અને 33 રનના અંતરમાં બીજી પાંચ વિકેટ ગુમાવી આખી ટીમ 216 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]