રાવલપિંડીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખતરે એવો દાવો કર્યો છે કે એને બોલીવુડની ફિલ્મ ‘ગેંગસ્ટર’માં નાયકની ભૂમિકા ભજવવાની ઓફર કરવામાં આવી હતી. તે ઓફર ફિલ્મના નિર્માતા મહેશ ભટ્ટે કરી હતી. તે ફિલ્મ 2006માં રિલીઝ કરાઈ હતી અને એમાં ઈમરાન હાશ્મી, કંગના રણોત અને શાઈની આહુજાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને ફિલ્મફેર એવોર્ડ્સ માટે 10 નામાંકન મળ્યા હતા. એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર, અખ્તરનું કહેવું છે કે મહેશ ભટ્ટે એમની ક્રાઈમ-ડ્રામા ફિલ્મ ‘ગેંગસ્ટર’માં હિરોની ભૂમિકા ભજવવાની તેને ઓફર કરી હતી.
અખતરે 2011માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. એ 163 વન-ડે ઈન્ટરનેશનલ, 46 ટેસ્ટ અને 14 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. એણે ટેસ્ટ ક્રિકેટમાં 178 વિકેટ, વન-ડે ક્રિકેટમાં 247 અને ટ્વેન્ટી-20માં 21 વિકેટ લીધી હતી. પ્રતિ કલાક 100 કિ.મી.ની ઝડપે બોલ ફેંકનાર એ દુનિયાનો પહેલો ક્રિકેટર બન્યો હતો.