IND Vs AUS: ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર શ્રેણીની બાકીની બે મેચમાંથી બહાર

ભારત સામે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર શ્રેણીની વચ્ચે ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર શ્રેણીની બાકીની બે મેચમાંથી બહાર થઈ ગયો છે. દિલ્હીમાં રમાયેલી ટેસ્ટમાં વોર્નરને ઈજા થઈ હતી. વોર્નરની ઈજા ગંભીર છે અને તેની સારવાર કરાવવા તેને ઘરે પરત ફરવું પડશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા હજુ સુધી વોર્નરના સ્થાનની જાહેરાત કરવામાં આવી નથી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માહિતી આપી છે કે ડેવિડ વોર્નર ટેસ્ટ શ્રેણીની બાકીની બે મેચમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, દિલ્હી ટેસ્ટ દરમિયાન વોર્નરને કોણીમાં ઈજા થઈ હતી. વોર્નર શ્રેણીની બાકીની બે મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એ સ્પષ્ટ કર્યું નથી કે વોર્નર નહીં રમે તેવી સ્થિતિમાં ખ્વાજા સાથે ઓપનિંગ કોણ સંભાળશે. પરંતુ ખ્વાજાના પાર્ટનરની ભૂમિકા માત્ર ટ્રેવિસ હેડ જ ભજવી શકે તેવી શક્યતા છે. દિલ્હી ટેસ્ટની બીજી ઇનિંગમાં વોર્નર બેટિંગ માટે ઉપલબ્ધ ન હતો અને ટીમ મેનેજમેન્ટે હેડને ઓપનર તરીકે મેદાનમાં મોકલ્યો હતો.

David Warner

હેન્ડ્સકોમ્બ મિડલ ઓર્ડરમાં રમશે

શ્રેણીમાં 0-2થી પાછળ રહ્યા બાદ ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. પ્રથમ બે ટેસ્ટમાં ટીમની બહાર રહેનાર કેમરન ગ્રીન હવે સંપૂર્ણ રીતે ફિટ છે. ગ્રીનની રમત નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે. ગ્રીન 6 નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. ગ્રીનના આગમનથી ઓસ્ટ્રેલિયાને બોલિંગમાં પણ વધારાના વિકલ્પો મળવાની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે ભારત સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝમાં ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સના માર્જીનથી હારી ગયું હતું, જ્યારે બીજી ટેસ્ટમાં 6 વિકેટથી હારી ગયું હતું.