નવી દિલ્હી: 2019 ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં પ્રભુત્વનું વર્ષ રહ્યું. ઘરઆંગણે આપણે સળંગ ચાર મેચમાં એક ઈનિંગથી વિજય હાંસલ કર્યા. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરિઝ જીતનારો ભારત પહેલો એશિયાઈ દેશ બન્યો. ભારત આ વર્ષે એક પણ ટેસ્ટ હાર્યું નથી ને જીતની એવરેજ 87.5 રહી. હવે ભારત આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં મજબૂતીથી ટોચ પર છે. આ વર્ષે ભારતની બધી ફોરમેટમાં જીતની એવરેજ 60.82 હતી. 462માંથી આપણે 281 મેચ જીત્યા.
આ સફળતાનો શ્રેય ફાસ્ટ બોલરોને જાય છે. એવું નથી કે આ સફળતા પાછળ કોઈ મોટા ફેરફાર જવાબદાર છે, પણ એક જસપ્રીત બુમરાહની હાજરીથી આખું ચિત્ર બદલાઈ ગયું છે. છેલ્લાં બે વર્ષમાં આ ફાસ્ટ બોલરે ભારતીય ટીમનું રૂપ બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
જાન્યુઆરી 2018માં બુમરાહે ડેબ્યુ કર્યો એ પછી ભારતીય પેસરોએ 22 ટેસ્ટમાં 20.74ની એવરેજથી 274 વિકેટો લીધી અને એક ઈનિંગમાં સૌથી વધારેવાર પાંચ વિકેટો પણ ભારતીય પેસરોએ લીધી છે. બુમરાહની ડેબ્યુ વખતેની સ્ટ્રાઈક રેટ 30.4 અને ઈકોનોમી 2.59 સૌથી શ્રેષ્ઠ હતી. એણે 42 ટી-ટ્વેન્ટી મેચમાં 51 વિકેટો ઝડપી છે જે સૌથી હાઈએસ્ટ છે. વનડેમાં એની 21.88ની એવરેજ અને 4.49ની ઈકોનોમી પણ સૌથી શ્રેષ્ઠ છે.
મોહમ્મદ શમીએ પણ 2019માં ભારતીય ટીમમાં મહત્વનો રોલ ભજવ્યો છે. એ બે ફોરમેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ એણે હેટ્રિક પણ લીધી હતી. 37 ટેસ્ટમાં એણે 137 વિકેટો લીધી છે. 46.2ની એની સ્ટ્રાઈક રેટ છે. વિદેશોમાં એણે 25.87ની સ્ટ્રાઈક રેટથી 86 વિકેટ લીધી છે. આ ઉપરાંત ઈશાંત શર્માએ પણ આ વર્ષે એની બોલિંગ પર ઘણું કામ કર્યું છે ને વિકેટો મેળવી છે. 2019માં ભારતમાં રમાયેલી પાંચ ટેસ્ટમાં પેસરોએ 59 વિકેટો ઝડપી હતી.