અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે જાહેરાત કરી છે કે આ શહેરના મોટેરા વિસ્તાર સ્થિત વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ‘નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ’ તરીકે ઓળખાશે. અમદાવાદ વિશ્વ કક્ષાના સ્પોર્ટ્સ હબ તરીકે ઓળખાશે. અહીં માળખાકીય સુવિધાઓ એટલી બધી સરસ છે કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ ઓછા સમયની જાણ કર્યે પણ યોજી શકાશે.
શાહે મોટેરા સ્ટેડિયમ અથવા સરદાર પટેલ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી અને ડે-નાઈટ ટેસ્ટ મેચના આરંભ પૂર્વે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સ્ટેડિયમના ઉદઘાટન પ્રસંગે આમ જણાવ્યું હતું. એમણે કહ્યું કે મોટેરા ખાતેનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ તથા શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલું અન્ય સ્પોર્ટ્સ સંકુલ શહેરના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના હિસ્સા રહેશે. આને કારણે અમદાવાદ વિશ્વ સ્તરીય સ્પોર્ટ્સ હબ બનશે.