વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ- નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની વિશેષતાઓ

અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોશિએશન(GCA)  દ્વારા નિર્મિત વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ- નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ 63 એકરમાં પથરાયેલું છે. આ સ્ટેડિયમ 1 લાખ 32 હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમે ઓસ્ટ્રેલિયા સ્થિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની બેઠક ક્ષમતા કે જે 90 હજાર જેટલી છે તેનો વિક્રમ વટાવ્યો છે.

  • આ સ્ટેડિયમ કુલ 2,38,714 સ્કેવર મીટર ક્ષેત્રફળ વિસ્તારમાં નિર્માણ પામેલું છે જે ઓલિમ્પિક કક્ષાના 32 ફુટબોલ ગ્રાઉન્ડ જેટલું વિશાળ થાય છે. કુલ 1,14,126 ઘન મીટર કોંક્રિટ અને 13,306 મેટ્રિક ટન રેઇનફોર્સમેન્ટના ઉપયોગ વડે નિર્માણ પામ્યું છે.
  • 65 હાથીઓના વજન (260 ટન) જેટલું વજન ધરાવતી પ્રીકાસ્ટ-વાય પ્રકારની વિશિષ્ટ કોલમ પર આ સ્ટેડિયમ ટકેલું છે.
  • આ વિશ્વનું એકમાત્ર સ્ટેડિયમ છે જ્યાં મુખ્ય પીચ અને પ્રેક્ટિસ પીચ માટે એક  જ પ્રકારની જમીની-સપાટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિરાટ સ્ટેડિયમમાં કુલ 11 પીચ આવેલી છે. અહીં અત્યાધુનિક સબ-સોઇલ ડ્રેનેજ થકી માત્ર 30 મિનિટમાં વરસાદી પાણીનો નિકાલ કરી શકાય છે જેથી વરસાદના કારણે મેચ રદ્દ થતી અટકાવી શકાશે.
  • સ્ટેડિયમમાં પરંપરાગત હાઇમાસ્ટ ફ્લડલાઇટ્સની જગ્યાએ એનર્જી એફિસીયેન્ટ એલ.ઇ.ડી. લાઇટના ઉપયોગથી 45 થી 50 ટકા જેટલો વીજ વપરાશમાં ઘટાડો થશે.
  • વિશ્વમાં એકમાત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 4 ડ્રેસિંગ રૂમ અને અત્યાધુનિક મશીનરીથી સજ્જ 2 જીમ્નેશિયમ ધરાવે છે જેથી એક જ દિવસે એકથી વધુ ક્રિકેટ મેચનું આયોજન શક્ય બનશે.