અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવની વિશેષતાઓ

અમદાવાદ: અહીંનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અગાઉ ક્રિકેટની રમતના વિવિધ રેકોર્ડ્સ માટે જાણીતું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તૈયાર થયેલું આ સ્ટેડિયમ વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે જાણીતું બન્યું છે. ક્રિકેટ સિવાય અન્ય રમતોને પણ અહીં પ્રાધાન્ય મળે અને પ્રોત્સાહન મળે તે માટે સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું નિર્માણ પણ કરવામાં આવશે જેનું ભૂમિપૂજન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે.

સ્પોર્ટ્સ એન્કલેવથી શહેરને રમત-ગમત માટેની જરૂરિયાતો સંતોષાવા સાથે રમત-ગમત ક્ષેત્રમાં પ્રોત્સાહન મળશે. આ સમગ્ર સુવિધાઓથી એથ્લેટિક્સ, ફુટબોલ, એક્વેટિક, બાસ્કેટબોલ, ટેનિસ, હોકી જેવી ઓલિમ્પિક્સ સ્તરની 20થી વધુ વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતો માટેની સગવડો ઉભી થતા અમદાવાદનો મોટેરા વિસ્તાર સ્પોર્ટ્સ કેપિટલ તરીકે ઉભરી આવશે.

અહીંની તમામ સુવિધાઓ આંતરરાષ્ટ્રીય માપદંડ અને ધારાધોરણ મુજબ નિર્મિત કરવામાં આવી રહી છે જેથી રાજ્યના ઉભરતા રમતવીરોને રમત-ગમત માટે સંપૂર્ણ સહકાર મળે અને દેશમાં ઓલિમ્પિક રમતોત્સવ માટેના ખેલાડીઓ તૈયાર કરી શકાય જે ભારતની રમત-ગમત પ્રતિષ્ઠાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરે.

સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવની વિશેષતાઓ નીચે મુજબ છે:-

  • 50 હજાર બેઠકોનું એથ્લેટિક-ફુટબોલ સ્ટેડિયમ(400 મીટરના ટ્રેક સાથે)
  • 10થી 12 હજાર બેઠકો ઘરાવતુ ઇન્ડોર અરીના જ્યાંથી વિવિધ રમતોને જોઇ શકાશે
  • 4 લાખ ચોરસ મીટરનું ઇન્ડોર સ્પોર્ટ્સ સેન્ટર(વિવિધ રમતો માટે ફ્લેક્સિબલ હોલ અને મદદરૂપ જગ્યા સાથે)
  • 1 લાખ 20 હજાર ચોરસ મીટરનું ઇન્ડોર એક્વેટિક સેન્ટર (50×25 મીટર ઇન્ડોર અને આઉટડોર પુલ સાથે )
  • 15 હજાર બેઠકો ધરાવતું હોકી સ્ટેડિયમ
  • 5 હજાર બેઠકો ધરાવતા રગ્બી, ફુટબોલ વગેરે માટેના મેદાન
  • 5 હજાર બેઠકો ધરાવતું સાયકલિંગ માટેનું હેલોડ્રોમ
  • 5 હજાર બેઠકો ધરાવતું ટેનિસ સ્ટેડિયમ અને 12 વધારાના ટેનિસ સ્પોર્ટ્સ
  • વિવિધ રમત ધરાવતા અરીના અને મેદાન
  • વોટર-સ્પોર્ટસ માટે બોટિંગ કેન્દ્ર
  • બેડમિંટન , ટેબલ ટેનિસ, બોક્સિંગ અને તલવારબાજી વગેરે માટે ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ
  • 3 હજાર એપાર્ટમેન્ટ સાથેનું એથ્લેટિક વિલેજ(12500 બેડ સાથે)
  • 7500 કાર અને 1500 દ્વિ-ચક્રી વાહનો માટેની પાર્કિંગ સુવિધા.