મોદી સ્ટેડિયમમાં અક્ષરની સફળતાનું રહસ્ય

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામે ગઈ કાલે સિરીઝની ત્રીજી અને ડે-નાઈટ ટેસ્ટ મેચ શરૂ થઈ અને પહેલા જ દિવસે ઈંગ્લેન્ડની બેટિંગ લાઈન-અપનો ડાબોડી સ્પિનર અક્ષર પટેલે ડૂચો કરી નાખ્યો. પ્રવાસી ટીમ એના પહેલા દાવમાં માત્ર 48.4 ઓવર જ રમી શકી અને 112 રનમાં તંબૂભેગી થઈ ગઈ. અક્ષરે 21.4 ઓવરમાં 38 રન આપીને 6 વિકેટ લીધી. એના પાંચ શિકાર કાં તો એલબીડબલ્યુ આઉટ થયા અથવા ક્લીન બોલ્ડ થયા હતા. એના છ શિકાર હતા – જોની બેરસ્ટો, ઝાક ક્રોવલી, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, સ્ટુઅર્ટ બ્રોડ અને બેન ફોક્સ. અક્ષરે પોતાના પહેલા જ બોલમાં વિકેટ ઝડપી હતી, જેમાં જોની બેરસ્ટોને લેગબીફોર આઉટ કર્યો હતો. બેરસ્ટોને ખાતું ખોલવા પણ દીધું નહોતું. દિવસને અંતે જોકે ભારતે તેના પહેલા દાવમાં 3 નુકસાન ભોગવ્યું હતું અને 99 રન કર્યા હતા. રોહિત શર્મા 57 અને અજિંક્ય રહાણે 1 રન સાથે દાવમાં હતો. ભારત શુભમન ગિલ (11), ચેતેશ્વર પૂજારા (0) અને કેપ્ટન વિરાટ કોહલી (27)ને ગુમાવી ચૂક્યું છે. કોહલીની વિકેટ દિવસની રમતની આખરી ઓવરમાં પડી હતી.

અક્ષરે પોતાની ગઈ કાલની સફળતાનું રહસ્ય એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું. એણે કહ્યું કે એણે ગઈ કાલે બોલિંગમાં કોઈ નવા ફેરફારો કર્યા નહોતા. ઈંગ્લેન્ડના બેટ્સમેનો સામે બોલિંગ કરતી વખતે તે બોલને વારંવાર એક જ જગ્યાએ ફેંકતો હતો અને બાકીનું કામ પિચે કર્યું હતું. પ્રભાવ કરનારી બાબત એ છે કે અક્ષર તેના કાંડાનો આ જાદુ લાલ અને સફેદ બોલમાં પણ કરી ચૂક્યો છે અને ગઈ કાલે ગુલાબી બોલથી રમતી વખતે પણ ચાલુ રાખ્યો અને ફાવી ગયો. મીડિયાએ તેના આ બોલને ‘મિસ્ટરી બોલ’ નામ આપ્યું છે. રણજી ટ્રોફી સ્પર્ધા વખતે ગુજરાત ટીમ તરફથી રમતી વખતે ટીમના હેડ કોચ સાઈરાજ બહુતુલેના માર્ગદર્શન હેઠળ નેટ પ્રેક્ટિસ કરતી વખતે લાંબા સ્પેલમાં આ પ્રકારના બોલ ફેંકવાની તેણે તાલીમ લીધી હતી જે ગઈ કાલે મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોને છક્કડ ખવડાવવામાં કામ લાગી.

Image courtesy: @BCCI