કશ્મીર-મોદી વિશેના ભડકાઉ નિવેદનથી શાહિદ આફરિદી પર ટીકાનો વરસાદ

ચંડીગઢઃ પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટ ઓલરાઉન્ડર અને કેપ્ટન શાહિદ આફરિદી બેફામ નિવેદનો કરવા માટે જાણીતો છે. કશ્મીર વિશે ભૂતકાળમાં અનેક વાર વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યો છે. હાલમાં જ એણે એવું એક વધુ બકવાસભર્યું નિવેદન કર્યું છે. નવા નિવેદનમાં તો એણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક શબ્દો વાપર્યા છે. એને કારણે એની આકરી ટીકા કરવામાં આવી રહી છે.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા અને ફિલ્મ નિર્માતા અશોક પંડિતે આફરિદીનો એક વિડિયો ટ્વિટર પર શેર કર્યો છે જેમાં આફરિદી પીએમ મોદી વિશે બેફામ બોલી રહ્યો છે. આ વિડિયો વાયરલ થયો છે. આ વિડિયો આફરિદી પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ગયો હતો એ વખતનો છે અને કેટલાક લોકોની નાની ભીડને સંબોધી રહ્યો છે.

વિડિયોની શરૂઆતમાં આફરિદી કોરોના વાયરસ વિશે બોલે છે, પણ બાદમાં એ વડા પ્રધાન મોદી અને કશ્મીર વિશે બોલે છે. એ બોલ્યો કે, કોરોનાથી મોટી બીમારી મોદીના દિલ અને દિમાગમાં છે અને તે બીમારી ધર્મની બીમારી છે. અહીંથી બે કિલોમીટર દૂરના કશ્મીરમાં એ આપણા કશ્મીરી ભાઈ, બહેનો, વૃદ્ધ લોકો પર જુલમ કરે છે. એમને આનો જવાબ દેવો પડશે.

આફરિદીએ વધુમાં કહ્યું કે મોદી આમ તો બહુ હિંમતવાળા બનવાની કોશિશ કરે છે, પણ એ ડરપોક માણસ છે. મોદીએ કશ્મીરમાં સાત લાખ ભારતીય સૈનિકોને તૈનાત કરી રાખ્યા છે. એટલા સૈનિક આપણા આખા પાકિસ્તાનના લશ્કરમાં છે. એમને (મોદીને) એ ખબર નથી કે એ 7 લાખ ફૌજીઓની પાછળ 22-23 કરોડની ફોજ ઊભી છે અને આપણે આપણી પાકિસ્તાની ફોજની સાથે છીએ.

આફરિદી એની મર્યાદામાં રહે, દેશ માટે જરૂર પડશે તો હું બંદૂક પણ ઊઠાવી લઈશઃ હરભજન સિંહ

શાહિદ આફરિદીના બેફામ નિવેદનોથી ભારતીય ક્રિકેટર હરભજન સિંહ ખૂબ જ ભડકી ગયો છે અને કહ્યું કે હવેથી આફરિદી સાથે પોતે કોઈ પ્રકારનો સંબંધ કે સહયોગ નહીં રાખે.

ઈન્ડિયા ટુડેના સ્પોર્ટ્સ તક કાર્યક્રમમાં હરભજન સિંહે કહ્યું કે, શાહિદ આફરિદી જે બોલ્યો છે એ વાંધાજનક છે. આપણા દેશ માટે અને આપણા વડા પ્રધાન માટે એલફેલ બોલ્યો છે. આ જરાય ચલાવી ન લેવાય.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ રોગચાળા સામે આફરિદીની બિનસરકારી સંસ્થા, શાહિદ આફરિદી ફાઉન્ડેશને હરભજન સિંહ અને યુવરાજ સિંહે દાન કરતાં ભારતમાં આ બંને ક્રિકેટરોની ટીકા થઈ હતી.

હવે જ્યારે આફરિદીએ બેફામ નિવેદનો કર્યા છે ત્યારે હરભજન સિંહે કહ્યું છે કે, ‘આફરિદીએ તેના ચેરિટી સંસ્થાને મદદ કરવાની અમને વિનંતી કરી હતી. અમે કોરોનાપીડિતો માટે સારી ભાવનાથી, માનવતાને ખાતર મદદ કરી હતી. આપણા વડા પ્રધાને પણ કહ્યું છે કે કોરોના સામેની લડાઈ સરહદો, ધર્મો અને જાતિથી આગળ હોવી જોઈએ. તેથી અમે કટોકટીમાં ફસાયેલા લોકોને જ ખાતર જ મદદ કરી હતી. પરંતુ આ માણસ (આફરિદી) આપણા દેશ વિશે ગમે તેમ બોલે છે. મારે હવે સ્પષ્ટ કહેવું છે કે એની સાથે મારે કોઈ સંબંધ નથી. આપણા દેશ વિરુદ્ધ બેફામ બોલવાનો એને કોઈ અધિકાર નથી. એણે તેના દેશમાં જ અને એની મર્યાદામાં રહેવું જોઈએ. આજે કે આવતીકાલે, મારા દેશને જ્યાં પણ જરૂર પડશે, તો હું સરહદ ઉપર પણ જઈશ અને દેશને ખાતર બંદૂક ઉઠાવીશ.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]