હાર્દિક પંડ્યાને જોધપુર હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો

જોધપુરઃ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર વિશેના એક ટ્વીટના કેસમાં જોધપુર હાઈકોર્ટે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આજે મોટી રાહત આપી છે. કોર્ટે એક પોલીસ એફઆઈઆરના સંદર્ભમાં પંડ્યાને ક્લીન ચિટ આપી છે. 

અમુક વર્ષ પહેલાં પંડ્યા સાથી ક્રિકેટર કે.એલ. રાહુલની સાથે કોફી વિથ કરન ચેટ શોમાં ઉપસ્થિત રહ્યો હતો. એણે બાદમાં આંબેડકર વિશે એક અપમાનજનક ટ્વીટ કર્યું હોવાનું મનાતું હતું. એને પગલે વ્યવસાયે એડવોકેટ અને રાજસ્થાનના જાલોર જિલ્લામાં રાષ્ટ્રીય ભીમ સેનાના સભ્ય ડી.આર. મેઘવાળે જોધપુરના લુની પોલીસ સ્ટેશનમાં પંડ્યા સામે એફઆઈઆર ફરિયાદ નોંધવામાં આવી હતી. આ એફઆઈઆર ઉપરાંત એક અદાલતમાં પંડ્યા સામે કેસ પણ કરવામાં આવ્યો હતો. તે અદાલતે પંડ્યા સામે પગલું ભરવાનો પોલીસને આદેશ આપ્યો હતો. એટલે પંડ્યાએ કેસને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમાં નવી સુનાવણી કરાયા બાદ આજે કોર્ટે પંડ્યાને નિર્દોષ જાહેર કર્યો છે. પંડ્યાએ કોર્ટને કહ્યું હતું કે આંબેડકર સામેનું તે ટ્વીટ એણે કર્યું નહોતું, પરંતુ એક નકલી એકાઉન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.