પશુઓમાં લમ્પી વાઇરસને મુદ્દે કેન્દ્ર-રાજ્ય વચ્ચે સંકલનનો અભાવ

અમદાવાદઃ રાજ્યમાં પશુઓમાં લમ્પી વાઇરસે માઝા મૂકી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1431 પશુઓનાં મોત થયાં છે. કચ્છમાં સૌથી વધુ 37,414 કેસ નોંધાયા છે. કચ્છમાં આ રોગથી 58 પશુઓનાં મોત થયાં છે. જોકે રાજ્યના 20 જિલ્લાઓનાં 1935 ગામોમાં 54,161 પશુઓમાં લમ્પી વાઇરસ દેખા દીધો છે, જેથી આ રોગ સામે પશુઓની (ખાસ કરીને- ગાયો અને ભેંસો) સારવાર આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા પશુપાલકોને તાત્કાલિક સારવાર હેતુસર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1962 કાર્યરત કરવામાં આવ્યો છે.

રાજ્યના 20 જિલ્લાઓના પશુઓમાં લમ્પી વાઇરસ ફેલાયો છે. આ રોગને કારણે દૂધ ઉત્પાદન પર માઠી અસર થઈ છે. કચ્છમાં આ રોગને કારણે દૈનિક 15,000થી 20,000 લિટર દૂધનું ઉત્પાદન ઘટ્યું છે.

પશુપાલન મંત્રી  રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે  રાજ્યમાં પશુઓમાં લમ્પી વાઇરસ રોગનાં લક્ષણો જણાયાં, ત્યારથી સરકારે સતર્કતા દાખવીને આ રોગની પશુઓમાં સારવાર શરૂ કરી છે. પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા પણ સતત દેખરેખ કરવામાં આવી રહી છે. છે. રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓને સત્વર સારવાર પૂરી પાડીને રસીકરણ પણ કરવામાં આવે છે. એટલું જ નહી રોગિષ્ઠ પશુઓને આઇસોલેશનમાં રાખવા સાથે સંપૂર્ણ તકેદારી સાથે યોગ્ય વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવે છે.

રાજ્યમાં સેંકડો અબોલ પશુઓનાં મોત થઈ રહ્યાં છે, ત્યારે કેન્દ્રીય ટીમ પણ ગુજરાત મુલાકાત લઈ ગઈ છે. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે લમ્પી વાયરસને લઈને સંકલનનો અભાવ જોવા મળ્યો છે. પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે સવાલ કર્યો હતો કે કેન્દ્રની ટીમ ગુજરાત મુલાકાતે આવી ત્યારે લમ્પી વાયરસના સૌથી વધુ અસરગ્રસ્ત એવા કચ્છની મુલાકાતે શા માટે ના ગઈ? તેમણે જણાવ્યું હતું કે પટેલે કહ્યુ હતું કે, કેન્દ્ર સરકારની ટીમે ગુજરાતની મુલાકાતના સ્થાન પોતાની જાતે કેન્દ્રની ટીમ ગુજરાતના કયા સ્થળોની મુલાકાત લેવી તે અંગે રાજયના સૂચનો લીધા ન હતા.