અમદાવાદઃ ભારતીય ટીમ આજથી સાઉથ આફ્રિકામાં ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણીનો આરંભ કરી રહી છે ત્યારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે એવી જાણકારી આપી છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કદાચ ઘરઆંગણે અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણીમાં કમબેક કરે એવી ધારણા છે.
ઉલ્લેખનીય છે કે, પંડ્યા તાજેતરમાં ભારતમાં રમાઈ ગયેલી આઈસીસી ODI વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તે પછી સ્પર્ધામાં વધુ રમી શક્યો નહોતો. ડાબા પગની ઘૂંટીમાં મોચ આવી ગયા બાદ એને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં જવું પડ્યું હતું જ્યાં તેનો ઉપચાર ચાલી રહ્યો છે. જય શાહે કહ્યું છે કે, ‘અમે પંડ્યાની ઈજામાં સુધાર પર દૈનિક ધોરણે નજર રાખી રહ્યા છીએ. એ હજી એનસીએમાં જ છે અને ઘણી મહેનત કરી રહ્યો છે. અફઘાનિસ્તાન સામેની શ્રેણી પૂર્વે એ સાજો થઈ શકે છે.’ અફઘાનિસ્તાન ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવવાની છે અને 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમશે. 11 જાન્યુઆરીએ મોહાલીમાં, 14મીએ ઈન્દોર અને 17 જાન્યુઆરીએ બેંગલુરુમાં મેચ રમાશે.