અમદાવાદઃ ટ્વેન્ટી-20 ફોર્મેટની વિશ્વ પ્રસિદ્ધ પ્રોફેશનલ સ્પર્ધા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ને નવી ચેમ્પિયન ટીમ મળી છે. હાર્દિક પંડ્યાના સુકાનીપદ હેઠળની ગુજરાત ટાઈટન્સ ટીમે આજે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી આઈપીએલની 15મી આવૃત્તિ અથવા આઈપીએલ-2022ની ફાઈનલ મેચમાં સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ ટીમને 7-વિકેટથી પરાજય આપ્યો છે. સેમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ રાજસ્થાન ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 9 વિકેટે 130 રન કર્યા હતા. તેના જવાબમાં ગુજરાત ટાઈટન્સે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 133 રન કરીને મેચ અને વિજેતા ટ્રોફી જીતી લીધી છે. શુભમન ગિલ 45 અને ડેવિડ મિલર 32 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ગુજરાત ટાઈટન્સે સ્પર્ધાના પહેલા જ પ્રયાસમાં ચેમ્પિયનપદ હાંસલ કરીને અનોખી સિદ્ધિ મેળવી છે. ગુજરાતની શાનદાર ફાઈનલ જીતનો શ્રેય તેના કેપ્ટન હાર્દિક પંડ્યાને જાય છે, જેણે પોતાની મધ્યમ ઝડપી બોલિંગમાં માત્ર 17 રન આપીને રાજસ્થાનની શ્રેષ્ઠ ત્રણ વિકેટ ઝડપી હતી – કેપ્ટન સંજુ સેમસન (14), જોસ બટલર (39) અને શિમ્રોન હેટમેયર (11). પંડ્યાએ બાદમાં બેટિંગમાં પણ જવાબદારીપૂર્વક રમીને 30 બોલમાં 34 રન કર્યા હતા.
આ સાથે 74 મેચ રમાઈ ગયા બાદ આઈપીએલ-15ની આજે પૂર્ણાહુતિ થઈ છે. રાજસ્થાન ટીમે આ જીત બદલ 20 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું છે. જ્યારે રનર્સ-અપ રાજસ્થાન રોયલ્સને રૂ. 13 કરોડ મળ્યા છે. ત્રીજા સ્થાને આવેલી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને રૂ. 7 કરોડ અને ચોથા સ્થાને આવેલી લખનઉ સુપર જાયન્ટ્સ ટીમને રૂ. 6.5 કરોડનું ઈનામ મળ્યું છે.
રાજસ્થાન રોયલ્સ ટીમે આ બીજી વાર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.2008માં રમાયેલી પહેલી આઈપીએલમાં તે વિજેતા બની હતી. એ વખતે તેનો કેપ્ટન શેન વોર્ન હતો, જે આજે હયાત નથી.
કોલકાતામાં રમાઈ ગયેલી ક્વાલિફાયર-1 મેચમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7-વિકેટથી પરાજય આપ્યો હતો. જોકે રાજસ્થાન ટીમે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ક્વાલિફાયર-2 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 7-વિકેટથી હરાવીને ફાઈનલમાં, ફરી ગુજરાત સામે રમવાનો મોકો પ્રાપ્ત કર્યો. રાજસ્થાન ટીમે 2008માં તેના કેપ્ટન શેન વોર્નના સુકાનીપદ હેઠળ વિજેતા ટ્રોફી જીતી હતી. કમનસીબે, વોર્ન આજે હયાત નથી.
ફાઈનલ મેચમાં રમેલી બંને ટીમની આખરી ઈલેવનઃ
ગુજરાત ટાઈટન્સઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, મેથ્યૂ વેડ, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા, રશીદ ખાન, આર. સાઈ કિશોર, લોકી ફર્ગ્યૂસન, મોહમ્મદ શમી અને યશ દયાલ.
રાજસ્થાન રોયલ્સઃ સંજુ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, રવિચંદ્રન અશ્વિન, દેવદત્ત પડીક્કલ, ટ્રેન્ટ બોલ્ટ, શિમ્રોન હેટમેયર, પ્રસિદ્ધ ક્રિશ્ના, યુઝવેન્દ્ર ચહલ, રિયાન પરાગ અને ઓબેદ મેકોય.