મુંબઈઃ મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ઊલટફેર થવાનો છે. સુપ્રિયા સુળેના નિવેદન પછી રાજકીય ગરમાવો આવ્યો છે. NCPના આશરે 30-40 વિધાનસભ્ય અજિત પવારના સંપર્કમાં છે. આ બધા અજિત પવારના નેતૃત્વમાં ભાજપની શિંદે સરકારમાં સામેલ થાય એવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે NCPના બે તૃતીયાંશથી વધુ વિધાનસભ્યોએ અજિત પવારને ટેકો આપ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શરદ પવાર પણ કેન્દ્રની મોદી સરકારમાં સામેલ થવાની શક્યતા છે. સુપ્રિયાએ કહ્યું હતું કે 15 દિવસમાં બે મોટા રાજકીય ધડાકા થવાના છે, જેમાં એક દિલ્હીમાં તો બીજો મહારાષ્ટ્રના રાજકારણમાં થશે.
સુપ્રિયા સુળેએ બે મોટા રાજકીય વિસ્ફોટની વાત કરી છે. જોક્ તેમણે અજિત પવારના ભાજપ સાથે જવાના સવાલ પર મૌન ધારણ કરી લીધું હતું. તેમણે કહ્યું હતું કે એ વાત અજિત પવારને પૂછો, મારી પાસે ગોસિપ માટે સમય નથી. જનપ્રતિનિધિરૂપે મારી પાસે અનેક કામ છે, એટલે મને એ વિશે માહિતી નથી.
NCPના 53 વિધાનસભ્યોમાંથી આશરે 40 વિધાનસભ્યોએ ભાજપ સાથે હાથ મિલાવવા અને શિંદે –ફડનવીસ સરકારમાં સામેલ થવા માટે પવારને ટેકો જાહેર કર્યો છે. જોકે આ પૂરા ઘટનાક્રમ વિશે પવારે મિડિયાને કહ્યું હતું કે આ જે ચર્ચા ચાલી રહી છે- એ તમારા લોકોના મનમાં ચાલી રહી છે, આ બધી વાતો ખોટી છે. અજિત પવારે કોઈ બેઠક નથી બોલાવી અને NCPના 54 MLA તેમના સંપર્કમાં છે. શિવસેનાના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે પણ આ વિશે કહ્યું હતું કે આ બધી અફવા છે.