મુંબઈઃ કતરના દોહા શહેરમાં આજે ફિફા વર્લ્ડ કપ-2022ની ફાઈનલ મેચ રમાશે. આર્જેન્ટિના અને ગઈ વેળાના ચેમ્પિયન ફ્રાન્સ વચ્ચે મહામુકાબલો થશે. આ રોમાંચક ટક્કર જોવા માટે આખી દુનિયાનાં ફૂટબોલપ્રેમીઓ આતુર છે. મેચ ભારતીય સમય મુજબ આજે રાતે 8.30 વાગ્યે રમાશે.
આ મેચ જોવા માટે રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને આર્થિક પાટનગર મુંબઈમાં પણ ઉત્સાહ-ઉમંગ જામ્યો છે. ખાસ કરીને બીયર બાર્સ, પબ્સ, મોટી હોટેલ્સમાં ગ્રાહકોને સ્ટેડિયમ જેવા વાતાવરણમાં વર્લ્ડ કપ ફાઈનલ બતાવવાની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. વિશાળ સ્ક્રીન ગોઠવી દેવામાં આવ્યા છે. અનેક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ આ માટે બાર, પબ્સ, હોટેલ્સને મદદ કરી રહી છે. મુંબઈમાં કમલા હિલ્સ, અંધેરી પૂર્વ, ખાસ અને બોરીવલી સહિત આઠ સ્થળે વિશાળ સ્ક્રીન મૂકવામાં આવનાર છે. કેટલાક બીયર બાર માલિકો એમના ગ્રાહકોને કોમ્પ્લીમેન્ટરી ગિફ્ટ રૂપે પોપકોર્ન બાઉલ્સ, ફૂડ કોમ્બો આપવાના હોવાનો અહેવાલ છે.
દુનિયાભરમાંથી ઘણી હસ્તીઓ દોહા પહોંચી ગઈ છે. બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન, અભિનેત્રીઓ દીપિકા પદુકોણ, નોરા ફતેહી પૂર્ણાહુતિ સમારોહમાં ભાગ લેવાનાં છે.