ભારત સામેના આગામી મુકાબલાથી અમે ગભરાતા નથી: વાન ડેર ડુસેન (SA બેટર)

કોલકાતાઃ ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને 55 રનમાં ઓલઆઉટ કરીને 302 રનના જબ્બર માર્જિનથી જીત હાંસલ કરીને ભારતીય ટીમે વર્લ્ડ કપ-2023માં પોતાની અપરાજિત આગેકૂચ જાળવી રાખી છે. આ બહોળી જીતથી રોહિત શર્મા અને તેના સાથીઓ સેમી ફાઈનલમાં પહોંચી ગયા છે. સ્પર્ધામાં ભારતનો દબદબો વધી ગયો છે. ત્રણ ફાસ્ટ બોલર – જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શામીએ તરખાટ મચાવીને 9 બેટરને આઉટ કર્યા હતા. શ્રીલંકા ટીમ માત્ર 19.4 ઓવર જ રમી શકી હતી. વ્યક્તિગત હાઈએસ્ટ સ્કોર 14 રનનો હતો જે 10મા ક્રમે આવેલા કસુન રજિથાએ નોંધાવ્યો હતો. ભારત હવે પાંચ નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સાઉથ આફ્રિકા સામે રમશે. ટેમ્બા બવૂમાની આગેવાની હેઠળની સાઉથ આફ્રિકન ટીમ 7માંથી 6 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં ભારત બાદ બીજા ક્રમે છે. સાઉથ આફ્રિકા એક મેચ હારી છે – નેધરલેન્ડ્સ સામે. સામે છેડે, અપરાજિત રહેલી ભારતીય ટીમની શક્તિ અને ખેલાડીઓનો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયા છે.

આમ છતાં, સાઉથ આફ્રિકાનો બેટર રાસી વાન ડેર ડુસેન કહે છે, ‘ભારત સામેના આગામી મુકાબલાથી અમે જરાય ગભરાટમાં નથી કે ચિંતિત નથી. આ સ્પર્ધામાં અમે અમારું ફોકસ જાળવવામાં સફળ રહ્યા છીએ કે અમારે શું કરવું છે અને અમારે કઈ રીતે રમવું છે. તેથી સામે કઈ ટીમ છે એની અમે પરવા કરતા નથી. અમને ખબર છે કે અમે અમારા ફોકસ અનુસાર રમીશું તો ધાર્યું પરિણામ મેળવી શકીશું. ભારતમાં ભારતીય ટીમ સામે રમવું એ બહુ મોટો મુકાબલો કહેવાય. એ ટીમ સ્પર્ધામાં ખૂબ જ સરસ રમી રહી છે. ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે. એમની પાસે સારી બેટિંગ લાઈન-અપ છે અને જોરદાર બોલિંગ આક્રમણ છે. દબાણમાં સારો દેખાવ કરવાનો અમારી સમક્ષ પડકાર છે. અમે અહીંયા અગાઉ એમની સામે રમી ચૂક્યા છીએ અને એમને હરાવી ચૂક્યા પણ છીએ. એટલે ભલે આ વર્લ્ડ કપ છે તે છતાં અમારે મન ખાસ કંઈ અલગ નથી.’

સાઉથ આફ્રિકાએ ગઈ 1 નવેમ્બરે પુણેમાં ન્યૂઝીલેન્ડને 190 રનથી પરાજય આપ્યો હતો. એમાં વાન ડેર ડુસેને 119 બોલમાં 9 ચોગ્ગા, પાંચ છગ્ગા સાથે 133 રન ફટકાર્યા હતા. ઓપનર-વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે 114 રન ફટકાર્યા હતા અને બંનેએ બીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી.