USમાં 1.15 કરોડ ડોલરની હેલ્થકેર છેતરપિંડીમાં ભારતીય દોષી

ન્યુ યોર્કઃ અમેરિકાના એટર્ની વિકાસ ખન્નાએ જાહેરાત કરી હતી કે ભારતમાં સ્થિત એક માર્કેટિંગ કંપનીના માલિક 1.15 કરોડ ડોલરની હેલ્થકેરની છેતરપિંડી કરવાનો અને ગેરકાયદે લાંચ આપવા અને લેવાના કાવતરામાં પોતાની ભૂમિકાનો સ્વીકાર કર્યો છે. ભારતીય ચિંતન અંજારિયાએ નેવાર્કની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોતાનાના ગુનાનો સ્વીકાર કર્યો છે, જેમાં તેમણે કાયદાનું ઉલ્લંઘન કરીને અને હેલ્થકેર છેતરપિંડી કરીને કાવતરા રચવાનો આરોપ લગાવ્યો હતો.

કોર્ટના દસ્તાવેજો અનુસાર ફેબ્રુઆરી, 2017થી મે, 2022 સુધી અંજારિયાની ઓર્થોટિક બ્રેસ સપ્લાય કંપની ટેલિમેડિસિન કંપનીઓ અને ટેસ્ટિંગ લેબોરટરીઝની સાથે લાંચ આપવા અને લેવાની ભૂમિકામાં હતી, જેમાં મેડિકેરના ખોટા અને છેતરપિંડીવાળા દાવા પ્રસ્તુત કર્યા હતા.

અંજારિયાએ ભારતમાં એક માર્કેટિંગ કંપની પર નિયંત્રણ કર્યું હતું, જેના દ્વારા તે અને તેમના ષડયંત્રકારોએ ઓર્થોટિક બ્રેસિઝ અને કેન્સર જેનેટિક્સ ટેસ્ટ (CGX) માટે મેડિકેર લાભાર્થીઓની ઓળખ કરી હતી.

કંપનીના કર્મચારીઓએ લાભાર્થીઓને બોલાવ્યા હતા અને ટેસ્ટિંગ વગર ઓર્થોટિક બ્રેસિઝ અને CGX સ્વીકાર કરવા માટે તેમના પર દબાણ કર્યું હતું. ત્યાર બાદ અંજારિયાએ ડોકટરની સલાહને અમેરિકાસ્થિત ઓર્થોટિક બ્રેસ સપ્લાયર્સ અને ટેસ્ટિંગ લેબોરેટરીઝ સુધી પહોંચાડ્યા હતા, જેની સાથે અંજારિયા અને તેમની કંપનીની પાસે વધારાની લાંચની વ્યવસ્થા કરી હતી.

ઓવરઓલ અંજારિયા અને તેમના ષડયંત્રકારોએ મેડિકેરને 1.15 કરોડ ડોલરથી વધુનું નુકસાન પહોંચાડ્યું હતું. અમેરિકામાં હેલ્થકેર ઠેતરપિંડી માટે મહત્તમ 10 વર્ષની જેલની સજા છે અને ગેરકાયદે લાંચ આપવાના કાવતરા માટે મહત્તમ પાંચ વર્ષની જેલની સજા છે. બંને મામલાઓમાં 2.50 લાખ ડોલરનો દંડ અથવા જેલ અથવા ગુના કે લાભથી બમણું – જે મોટું હોય, દંડનીય છે. અંજારિયાને 12 માર્ચ, 2024એ સજા સંભળાવવામાં આવશે.