અમેરિકામાં તેલંગણાનિવાસી ગ્રેજ્યુએટ વિદ્યાર્થી પર હિચકારો હુમલો

ન્યૂયોર્કઃ અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં વરુણ રાજ પૂચા નામનો એક ભારતીય વિદ્યાર્થી જિમ્નેશ્યમમાં તેની પર કરાયેલા હિચકારા હુમલાને કારણે ગંભીર રીતે ઘાયલ થયો છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગ્રેજ્યુએટ વિદ્યાર્થી વરુણ તેલંગણા રાજ્યનો છે અને આ બાબતમાં મદદરૂપ થવાની તેના પરિવારજનોએ તેલંગણા સરકારને વિનંતી કરી છે. સરકારે મદદ કરવાની ખાતરી આપી છે. વરુણ ઈન્ડિયાના રાજ્યમાં રહે છે. એક જિમ્નેશ્યમમાં તેના માથા પર છરા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તે હાલ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને કેસમાં વધુ તપાસ ચાલુ છે.

અમેરિકાની સરકારે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે વરુણ સંપૂર્ણપણે સાજો થઈ જાય એવી શુભેચ્છા વ્યક્ત કરી છે. પ્રવક્તાએ કહ્યું છે કે, આ કેસમાં કોઈ પણ પ્રશ્નના જવાબ માટે અમે સ્થાનિક પોલીસતંત્રની મદદ લઈ રહ્યા છીએ.