ઇઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે મોંઘવારી માજા મુકશે, વિશ્વ બેંકની ચેતવણી

છેલ્લા 25 દિવસથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. વર્લ્ડ બેંકે કહ્યું છે કે જો આ યુદ્ધ ગાઝાની બહાર પશ્ચિમ એશિયામાં ફેલાય છે તો ક્રૂડ ઓઈલ સહિત અન્ય ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થઈ શકે છે. વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે યુદ્ધના કારણે વૈશ્વિક તેલ પુરવઠામાં સમસ્યા આવી શકે છે. આવી સ્થિતિમાં કાચા તેલની કિંમતોમાં 3 થી 13 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે.

વૈશ્વિક કોમોડિટી માર્કેટને બેવડો ફટકો

વિશ્વ બેંકે તાજેતરની કોમોડિટી માર્કેટ આઉટલુક બહાર પાડી છે. રિપોર્ટ અનુસાર, મિડલ ઈસ્ટમાં વિવાદને કારણે વૈશ્વિક કોમોડિટી માર્કેટને બેવડો ફટકો પડી શકે છે, જે પહેલાથી જ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પીડિત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વિવાદને કારણે ઓઈલ સપ્લાય પ્રભાવિત થઈ શકે છે. આ ક્વાર્ટરમાં ક્રૂડ ઓઈલની કિંમત 93 થી 102 ડોલર પ્રતિ બેરલ સુધી વધી શકે છે.

વૈશ્વિક અર્થતંત્રના માર્ગમાં મોટો અવરોધ

વિશ્વ બેંકના ચીફ ઈકોનોમિસ્ટ ઈંગરમિટ ગિલે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધ પછી ગલ્ફ ક્ષેત્રમાં થયેલા તાજેતરના વિવાદે કોમોડિટી માર્કેટને મોટો ફટકો આપ્યો છે. આ કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વિક્ષેપ પેદા કરી શકે છે. તેમણે કહ્યું કે નીતિ નિર્માતાઓએ અત્યંત સાવધ રહેવાની જરૂર છે. જો આ યુદ્ધ વધુ ફેલાશે તો રશિયા અને યુક્રેન યુદ્ધ પછી વૈશ્વિક અર્થવ્યવસ્થાને બેવડો ફટકો પડશે જે દાયકાઓમાં પ્રથમ વખત જોવા મળશે.

ખાદ્ય મોંઘવારી વધી શકે છે

વિશ્વ બેંકના ડેપ્યુટી ચીફ ઈકોનોમિસ્ટ અયહાન કોઝે કહ્યું કે તેલના ઊંચા ભાવને કારણે ખાદ્યપદાર્થોની કિંમતોમાં વધારો થશે. જેના કારણે ઘણા વિકસિત દેશોમાં ખાદ્ય ફુગાવામાં તીવ્ર વધારો જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે 2022 ના અંત સુધીમાં વિશ્વભરમાં 700 મિલિયન લોકો, જે વિશ્વની વસ્તીના 10 ટકા છે, કુપોષણનો ભોગ બનશે. જો ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ અન્ય વિસ્તારોમાં વિસ્તરશે તો સમગ્ર વિશ્વમાં ખોરાકની અસુરક્ષા વધવાનો ભય છે.

ખાદ્ય-ખાતરની નિકાસ પર પ્રતિબંધ ન મૂકવો
વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે વિકાસશીલ દેશોના નીતિ નિર્માતાઓએ મોંઘવારીનો સામનો કરવા માટે પગલાં ભરવા પડશે. વિશ્વ બેંકે પણ સરકારોને ખોરાક અને ખાતરની નિકાસ ટાળવાની સલાહ આપી છે. વિશ્વ બેંકે સરકારોને સલાહ આપી છે કે તેઓ કિંમતોને નિયંત્રિત કરે અને ખાદ્યપદાર્થો અને ઈંધણના ઊંચા ભાવને ધ્યાનમાં રાખીને સબસિડી આપવાનું ટાળે. તમને જણાવી દઈએ કે રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેથી ચોખા અને ખાંડની નિકાસ પર પણ પ્રતિબંધ છે.