મહુઆ મોઇત્રાએ એથિક્સ કમિટીની બેઠકમાંથી વોકઆઉટ કર્યું

નવી દિલ્હીઃ સંસદમાં કેશ ફોર ક્વેરી- સવાલ પૂછવા માટે રૂ. બે કરોડની લાંચ લેવાના આરોપોથી ઘેરાયેલાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)નાં સાસંદ મહુઆ મોઇત્રા આ મામલે તપાસ કરી રહેલી લોકસભાની એથિક્સ કમિટીની બેઠકમાં ‘ગંદા સવાલ’ પૂછવાના આરોપ લગાવીને બહાર નીકળી ગયાં હતાં. તેમણે ભાર દઈને કહ્યું હતું કે જે સવાલ તેમને પૂછવામાં આવ્યાં હતા, એ ખાનગી અને અનૈતિક હતા. તેમણે સીધા પેનલના વડા પર આ આરોપ લગાવ્યા હતા.

મહુઓઆ મોઇત્રાની સાથે પેનલમાં વિપક્ષી સાસંદ પણ સામેલ હતાં. આ સાંસદોમાં BSPના દાનિશ અલી પણ હતાં. એ પેનલનો હિસ્સો કોંગ્રેસી સાંસદ એન. ઉત્તમ કુમાર રેડ્ડી પણ હતા. તેમણે પણ એક નિવેદનમાં કહી દીધું હતું કે મોઇત્રાથી પેનલ ચીફે અનૈતિક અને અભદ્ર સવાલ કર્યા હતા.

વિરોધ પક્ષના સાંસદોએ દાવો કર્યો હતો કે પેનલના પ્રમુખ અને ભાજપના સાંસદ વિનોદકુમાર સોનકરે વારંવાર તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆને વ્યક્તિગત સવાલ પૂછ્યા હતા, જેમાં બિઝનેસમેન દર્શન હીરાનંદાનીની સાથે તેમના સંબંધો પણ સામેલ હતા. આમાં તેમણે સંસદની વેબસાઇટ પરના એક્સેસ દેવાની વાતનો સ્વીકાર કર્યો હતો. જોકે તેમણે એ આરોપોનો ઇનકાર કર્યો હતો કે સવાલ પૂછવા માટે લાંચ લીધી હતી. વાસ્તવમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે હીરાનંદાની ગ્રુપનાં CEO દર્શન હીરાનંદાનીથી લાંચ લઈને સંસદમાં સવાલ પૂછ્યા હતા.