EDએ ક્રિકેટ સટોડિયા અનિલ જયસિંધાનીની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) ગુજરાતના ટોચના સટોડિયા અનિલ સિંધાનીની રૂ. 3.40 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. PMLA એક્ટ હેઠળ મની લોન્ડરિંગ કેસમાં આરોપીની સંપત્તિને જપ્ત કરવામાં આવી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. અનિલની સામે એક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. આ કેસ વર્ષ 2015માં ગુજરાતના વડોદરામાં નોંધાયેલી FIRથી જોડાયેલો છે.

એજન્સીને માલૂમ પડ્યું હતું કે અનિલ જયસિંધાની ક્રિકેટ બેટિંગની સાથે-સાથે પ્રોપર્ટી ફ્રોડ કરીને પણ કમાણી કરતો હતો, જે પછી વર્ષ 2015માં અનિલને સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ PMLA એક્ટથી જોડાયેલા આ કેસમાં સહયોગ ના કરવામાં આવતાં તેની સામે બિનજામીન વોરંટ જારી કરવામાં આવ્યું હતું. એ સાથે 2015માં EDના ગુજરાત યુનિટે જયસિંધાનીનાં ઘરે દરોડા પણ કર્યા હતા અને તેની સામે કેસ નોંધ્યો હતો, પણ તે ત્યારે નહોતો પકડાયો. આરોપી અનિલ વર્ષ 2015થી ભાગેડુ હતો. જે પછી EDએ એની આ વર્ષે એપ્રિલમાં ધરપકડ કરી હતી.

સટોડિયા અનિલની આ પહેલાં EDએ ધરપકડ કરી હતી અને તેની જામીનની અરજી અમદાવાદની PMLA કોર્ટે ફગાવી દીધી હતી. ત્યાર બાદ નવ જૂને EDએ અનિલના ઘરે દરોડાની કાર્યવાહી કરી હતી અને આજે તેની સંપત્તિ જપ્ત કરી હતી. અનિલ એ ક્રિકેટનો બુકી છે અને ઉલ્હાસનગરનો રહેવાસી છે. અનિલની સામે વિવિધ રાજ્યોમાં કુલ 17 કેસ નોંધાયા છે અને આઠ વર્ષથી એ ભાગેડુ હતો.