અમદાવાદઃ આવતા રવિવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધાની ફાઈનલમાં મુકાબલો થશે. આ મેચ સાથે જ સ્પર્ધાના સમાપન નિમિત્તે એક રંગારંગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવનાર છે. મોદી સ્ટેડિયમમાં હાજર રહેનાર સવા લાખથી પણ વધારે દર્શકોને મનોરંજનનો એક્સ્ટ્રા ડોઝ મળવાનો છે. તે મનોરંજક કાર્યક્રમમાં હોલીવુડની પોપ આઈકન ગાયિકા દુઆ લિપા પણ પરફોર્મ કરવાની છે એવા અગાઉ અહેવાલો હતા, પણ હવે માલુમ પડ્યું છે કે તે માત્ર એક અફવા હતી. સમર્થનવાળા સમાચાર છે કે દુઆ અમદાવાદમાં ફાઈનલ મેચમાં પરફોર્મ કરવાની નથી. એ સ્ટેજ પરફોર્મન્સ આપશે એવી અફવા ખોટી સાબિત થઈ છે. સ્ટાર સ્પોર્ટ્સ ચેનલે X પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા એક વીડિયોને લીધે અફવા બજાર ગરમ થયું હતું. દુઆ લિપા ત્રણ વખત પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ જીતી ચૂકી છે.
દુઆ લિપા સાથે હાલમાં પ્રસારિત કરાયેલા એક વર્ચ્યુઅલ કાર્યક્રમ ‘AskDua’માં શુભમન ગિલ, કે.એલ. રાહુલ, કેન વિલિયમસન જેવા ક્રિકેટરો તથા અન્યો જોડાયાં હતાં. એ વખતે દુઆને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. તે વીડિયો સ્ટાર સ્પોર્ટ્સે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. તે કાર્યક્રમમાં શુભમન ગિલે દુઆને પૂછી લીધું હતું કે, ‘તું ક્લોઝિંગ સેરેમનીમાં કયું ગીત ગાવાની છો?’ ત્યારે ગાયિકાએ કહ્યું હતું, ‘‘ફિઝિકલ’ શિર્ષકવાળું ગીત’. રાહુલે સવાલ પૂછ્યો હતો કે, ‘તું કાર્યક્રમ વખતે કયા નંબરનું જર્સી પહેરીશ?’ ત્યારે દુઆએ જવાબમાં કહ્યું, ‘22 નંબરનું’, કારણ કે એને તે પોતાનો લકી નંબર માને છે. આ વીડિયો ગઈ 15 નવેમ્બરે સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો હતો અને એને કારણે દુઆના પરફોર્મન્સ વિશેની અફવા ફેલાઈ હતી. આમ, રંગારંગ કાર્યક્રમમાં દુઆ તો નથી આવવાની, પણ સંગીતકાર પ્રીતમ અને જોનિતા ગાંધી જરૂર પરફોર્મ કરવાના છે.
દુઆ લિપા ભારતમાં ત્રણ વખત આવી ચૂકી છે. 2019ના નવેમ્બરમાં એ પહેલી જ વાર ભારત આવી હતી અને સ્ટેજ પરફોર્મન્સ આપ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર દુઆ લિપાનાં 9 કરોડ ફોલોઅર્સ છે.
Dua Lipa won't be performing at the 2023 World Cup Final. pic.twitter.com/K7Q0ieT1Z3
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 17, 2023