રાંચી/નવી દિલ્હીઃ ગઈ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ કેપ્ટન, વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ આજે ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે, જેમણે પત્ર દ્વારા ધોનીએ ક્રિકેટના મેદાન પર હાંસલ કરેલી સિદ્ધિઓની બિરદાવી છે એટલું જ નહીં, પરંતુ જીવનમાં ધોનીના ઉદયને એક વિરલ ઘટના તરીકે લેખાવી છે.
ધોનીએ વડા પ્રધાન મોદીએ મોકલેલા પત્રની તસવીરો પાડીને એને સોશિયલ મિડિયા પર શેર કરી છે.
પત્રમાં, મોદીએ ધોનીની સિદ્ધિઓને જ નહીં, પણ સાવ સામાન્ય શરૂઆતમાંથી ધોનીએ સફળતાના શિખર સુધી આદરેલી સફરને પણ વખાણી છે.
મોદીએ પત્રમાં લખ્યું છે, ‘મહેન્દ્ર સિંહ ધોનીનું નામ માત્ર એમની કારકિર્દીના આંકડા કે ચોક્કસ મેચ-વિનિંગ કામગીરી માટે જ યાદ રખાય એ પૂરતું નહીં કહેવાય. તમને માત્ર એક ખેલાડી તરીકે જોવામાં આવે તો એ તમને અન્યાય કર્યો કહેવાશે. તમારી અસરને ચમત્કારના રૂપમાં ગણાય એ જ તમારું મૂલ્યાંકન કરવાની સાચી રીત કહેવાશે.’
વડાપ્રધાને વધુમાં લખ્યું છે કે, ‘જીવનમાં તમારો ઉદય અને એ પછીનું આચરણ એવા કરોડો યુવા લોકોને એક શક્તિ અને પ્રેરણા પૂરા પાડે છે, જેમને તમારી જેમ જ સરળ રીતે શાળા કે કોલેજમાં ભણવાનું નસીબ પ્રાપ્ત થયું નથી, કે જેઓ કોઈ નામાંકિત પરિવારમાંથી આવતા નથી, પરંતુ એમનામાં સર્વોચ્ચ સ્તરે ઝળકવાની પ્રતિભા જરૂર છે.’
વડા પ્રધાનના પત્રના જવાબમાં ધોનીએ ટ્વીટમાં એમનો આભાર માનતા કહ્યું કે, ‘એક કલાકાર, સૈનિક અને રમતવીર કાયમ એવું ઈચ્છે કે એના સખત પરિશ્રમ અને ત્યાગની દરેક જણ નોંધ લે અને એની સરાહના કરે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમે સરાહના કરી અને શુભેચ્છા આપી એ બદલ આપનો આભાર.’
https://twitter.com/msdhoni/status/1296362680580636672