IPL2020: ચેન્નાઈ, મુંબઈ, બેંગલોર ટીમ યૂએઈ જવા રવાના થઈ

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી આવૃત્તિ રમવા માટે આજે સ્પર્ધાની ત્રણ ટીમ – ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ખેલાડીઓ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)ના દુબઈ જવા માટે રવાના થયા છે. ભારતમાં કોરોના વાઈરસનો ફેલાવો થયો હોવાથી આ વર્ષની સ્પર્ધા ભારતને બદલે યૂએઈમાં (દુબઈ, અબુધાબી, શારજાહમાં) રમાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગઈ કાલે અન્ય ત્રણ ટીમ – રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબના ખેલાડીઓ રવાના થયા હતા અને યૂએઈ પહોંચી ગયા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડની પેટા-કંપની ઈન્ડિયાવિન સ્પોર્ટ્સની માલિકીની અને રોહિત શર્માના સુકાનીપદ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ટીમે યૂએઈ જવા માટે વિમાનમાં બેઠેલા તેના ખેલાડીઓની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

એવી જ રીતે, રોયલ ચેલેન્જર બ્રાન્ડના શરાબની માલિક કંપની યુનાઈટેડ સ્પિરીટ્સની માલિકીની અને વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમે પણ યૂએઈ જતા તેના ખેલાડીઓની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડની માલિકીની અને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે પણ ધોની, રવિન્દ્ર જાડેજા સહિતના ખેલાડીઓની તસવીરો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે. ટીમનો બેઝ-કેમ્પ દુબઈ રહેશે.

અન્ય બે ટીમ – દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના ખેલાડીઓ પણ યૂએઈ જવા સજ્જ થઈ ગયા છે.

ભારતસ્થિત ફેન્ટસી સ્પોર્ટ્સ (ગેમિંગ) પ્લેટફોર્મ ‘ડ્રીમ-11’ દ્વારા પ્રાયોજિત આઈપીએલ-2020 સ્પર્ધાનો આરંભ 19 સપ્ટેંબરથી થશે અને 10 નવેંબરે ફાઈનલ મેચ સાથે સ્પર્ધાની પૂર્ણાહુતિ થશે. કુલ આઠ-ટીમવાળી અને ટીમ દીઠ 20-20 ઓવરવાળી આ સ્પર્ધા 53 દિવસની રહેશે અને દરરોજ બબ્બે મેચ રમાશે. એક મેચ સ્થાનિક સમય મુજબ બપોરે 3.30 વાગ્યે અને બીજી સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે.