મોદી કદાચ ધોનીને T20 WCમાં રમવાની અપીલ કરેઃ અખ્તર

લાહોરઃ ભારતનો ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તાત્કાલિક રીતે અસરમાં આવે એ રીતે ગઈ 15મી ઓગસ્ટે નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યો છે. ધોનીનો નિર્ણય માત્ર ભારતમાં જ નહીં, પણ પાકિસ્તાન સહિત વિદેશોમાં પણ ચર્ચાસ્પદ બન્યો છે.

પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પણ ચર્ચામાં સામેલ થયો છે અને એણે એક નવી જ વાત કરી છે. એણે એક ઈન્ટરવ્યૂમાં એમ કહ્યું છે કે ધોની 2021ની T20 વર્લ્ડ કપ સ્પર્ધામાં રમી શક્યો હોત. ભારત જે રીતે એના સ્ટાર ખેલાડીઓને સમર્થન આપતું આવ્યું છે, પ્રેમ દર્શાવતું આવ્યું છે એ જોતાં લોકોએ ઈચ્છા રાખી હશે કે ધોની T20 વર્લ્ડ કપમાં રમે, પણ રમવું, ન રમવું એ ધોનીની અંગત પસંદગી છે.

અખ્તરે ‘બોલવસિમ’ યૂટ્યૂબ ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે ધોની વિજેતા જ રહ્યો છે. એક રાંચીનિવાસીએ આખા ભારતમાં ધમાલ મચાવી દીધી. તમારે બીજું શું જોઈએ. આખી દુનિયા એને યાદ રાખશે. ભારત દેશ તો એને ક્યારેય નહીં ભૂલે.

ધોની 2004માં તેની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો અને ચોથી જ મેચથી એણે ભારતીય ક્રિકેટની સીકલ બદલી નાખી હતી – એના શાંત અને ધીરગંભીર સ્વભાવ વડે, આક્રમક રમત વડે અને કુશળ નેતૃત્ત્વ વડે. આઈસીસી ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી, એમ આઈસીસી યોજિત ત્રણેય મોટી ટુર્નામેન્ટ જીતનાર એ દુનિયાનો એકમાત્ર કેપ્ટન છે.

અખ્તરનું માનવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અપીલ કરે તો ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરી શકે છે. કંઈ કહી ન શકાય. વડા પ્રધાન મોદી ધોનીને મળવા બોલાવે અને 2021ની T20 વર્લ્ડ કપમાં રમવાની વિનંતી કરે. આમ થવું શક્ય છે. ઈમરાન ખાને 1987 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમવાનો નિર્ણય લીધો હતો, પણ જનરલ ઝીયા ઉલ હકે એને તેમ ન કરવાનું કહ્યું હતું અને ઈમરાન બાદમાં ફરી રમ્યો હતો. તમે વડા પ્રધાનને ના પાડી ન શકો. આમ, મોદીએ ધોનીને વિનંતી કરવી જોઈએ કે એ 2021ની T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્ત્વ કરે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]