ઝડફિયાની હત્યા માટે આવેલા શાર્પ શૂટરની ધરપકડ

અમદાવાદઃ રાજ્યની એન્ટિ-ટેરરિસ્ટ ફોર્સે (ATS)એ અંડરવર્લ્ડની એક મોટી ઘટના બને એ પહેલાં નિષ્ફળ બનાવી છે. ATSએ અન્ડરવર્લ્ડ ડોન છોટા શકીલના શાર્પ શૂટરની અમદાવાદની રિલીફ રોડની વિનસ હોટેલમાંથી ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ દરમ્યાન એક આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. જેની તપાસ કરવામાં આવી છે. ATSની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શાર્પ શૂટર વર્ષ 2002માં રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન ગોરધન ઝડફિયા સહિત ભાજપના અન્ય નેતાઓની હત્યા કરવાનું આયોજન કરી રહ્યા હતા.

ગુજરાત રમખાણો દરમ્યાન ઝડફિયા ગૃહપ્રધાન હતા

વર્ષ 2002ના ગુજરાતનાં રમખાણો દરમ્યાન ઝડફિયા રાજ્યના ગૃહપ્રધાન હતા. એ વખતે તેમની પર આરોપ લાગ્યા હતા કે તેમણે સાંપ્રદાયિક તોફાનો દરમ્યાન કડક પગલાં નહોતાં લીધાં.

એ પછીથી ઝડફિયા મોદીના કટ્ટર વિરોધી બની ગયા હતા અને ભાજપથી છૂટા પડીને કેશુભાઇ પટેલ સાથે મહાગુજરાત જનતા પક્ષની સ્થાપના કરી હતી. જોકે વર્ષ 2014માં તેમણે ફરી ભાજપમાં પુનરાગમન કર્યું હતું.

બે પિસ્તોલની સાથે શાર્પ શૂટર ઇમરાનની ધરપકડ

ATSના વડા હિમાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે અમને અન્ડરવર્લ્ડ ડોન છોટા શકીલ ગેગના બે શાર્પ શૂટરો અમદાવાદની એક હોટેલમાં છુપાયા હોવાની માહિતી મળી હતી. આ માહિતીને આધારે બુધવારે સવારે આશરે ત્રણ કલાકે ટીમે વિનસ હોટેલમાં દરોડા પાડ્યા હતા. આ હોટેલમાંથી ઇમરાન નામના શૂટરની ધરપકડ કરવામાં આવી છે, પણ ફાયરિંગમાં બીજો આરોપી ભાગી ગયો હતો. ઇમરાન શેખની પાસેથી અમે બે પિસ્તોલ પણ જપ્ત કરી છે. ઇમરાન કેટલાય દિવસોથી ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમની રેકી કરી રહ્યો હતો.  હાલ તપાસ ચાલી રહી છે.

ક્યાં-ક્યાં કનેક્શન છે એની થશે તપાસ

ATS DYSP કે. કે. પટેલે જણાવ્યું હતું કે બંને શૂટરોએ રેઇડ દરમ્યાન શૂટરોએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. એ દરમ્યાન PSI શૂટર પર ધસી ગયો હતો અને ગોળી છતની દીવાલને લાગી હતી. આ ઝપાઝપીમાં PSIએ આરોપીને પકડી પાડ્યો હતો. હાલ શાર્પ શૂટરોના રાજ્યમાં ક્યાં-ક્યાં કનેક્શનો છે એની તપાસ ચાલી રહી છે.

ગોરધન ઝડફિયાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો

ભાજપના નેતા હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ફોન કરીને તેમને એવી માહિતી આપી છે કે એક શાર્પ શૂટર પકડાયો છે. જે તેમની હત્યા કરવા માગતો હતો. ગૃહરાજ્ય મંત્રીએ તાત્કાલિક રીતે તેમની સુરક્ષા વધારી દેવાનો આદેશ કર્યો છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]