જજે બંધારણની કલમના સહારે સુશાંત મૃત્યુ કેસ સીબીઆઈને સોંપ્યો

નવી દિલ્હીઃ અત્યંત વિવાદાસ્પદ અને પ્રશંસકો માટે આઘાતજનક એવા બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અચાનક મૃત્યુના કેસની તપાસ સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને હવાલે કરી છે.

સર્વોચ્ચ અદાલતના એક-જજની બનેલી બેન્ચે આપેલો ચુકાદો દેશના અદાલતી ઈતિહાસમાં પહેલા કેસ તરીકે લેખાશે, કારણ કે જસ્ટિસ ઋષિકેશ રોયે આ નિર્ણય લેવા માટે દેશના બંધારણની 142મી કલમ અંતર્ગત બેન્ચની અસાધારણ સત્તાનો ઉપયોગ કર્યો છે.

જજ રોયે કહ્યું કે બંધારણની કલમ 142 અંતર્ગત સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાનો કોર્ટ હૂકમ આપે છે.

જસ્ટિસ રોયે કહ્યું કે, તપાસમાં જનતાને વિશ્વાસ થાય અને કેસમાં સંપૂર્ણપણે ન્યાય અપાય એ માટે આ અદાલત માને છે કે બંધારણની કલમ 142માં આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરવાનું કોર્ટ માટે ઉચિત છે.

કેસની તપાસ સીબીઆઈને આપવાનો વિરોધ કરતી મહારાષ્ટ્ર સરકાર વતી ઉપસ્થિત થયેલા સિનિયર લોયર અભિષેક મનુ સિંઘવીએ ઉઠાવેલા વાંધાને કોર્ટે ફગાવી દીધો હતો.

સિંઘવીએ એવી દલીલ કરી હતી કે કોઈ સિંગલ જજની બેન્ચ બંધારણની 142મી કલમ હેઠળ સત્તાનો ઉપયોગ કરી શકે નહીં. એવી બેન્ચમાં કમસે કમ બે જજ હોવા જોઈએ.

પરંતુ, જસ્ટિસ રોયે સિંઘવીની દલીલને માન્ય રાખી નહોતી અને કહ્યું કે, આ અદાલત સોંપેલું કામ કરવા માટે તેના કાયદેસરના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરે છે એટલે એમાં અવરોધ પેદા કરવો ન જોઈએ. બંધારણની કલમ 142માં આ શબ્દો છેઃ સંપૂર્ણ ન્યાય આપવા માટે જરૂરી હોય એવા તમામ આદેશો સુપ્રીમ કોર્ટ તેના અધિકારક્ષેત્રનો અમલ કરતી વખતે આપી શકે છે. તેથી કોઈ સિંગલ જજની બેન્ચ માટે બંધારણ હેઠળ કોઈ મનાઈ નથી. આ કેસ જવાબદારી અનુસાર સોંપવામાં આવેલો છે.

બંધારણની 142 કલમ સર્વોચ્ચ અદાલતને કોઈ પણ કેસમાં સંપૂર્ણ ન્યાય આપવા માટે જરૂરી કોઈ પણ આદેશ આપવાની સત્તા આપે છે.

સુશાંત સિંહ રાજપૂત ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) સ્થિત એના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે એવી શંકા વ્યક્ત કરી હતી કે સુશાંતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. એ ડીપ્રેશનમાં હતો.

પરંતુ, સુશાંતના પરિવારજનો મુંબઈ પોલીસની તપાસથી સંતુષ્ટ નહોતા અને પટનામાં રહેતા સુશાંતના પિતા કે.કે. સિંહ રાજપૂતે બિહાર સરકારને વિનંતી કરી હતી કે તે આ કેસની તપાસ સીબીઆઈને સુપરત કરવાની કેન્દ્ર સરકારને વિનંતી કરે. બિહારમાં નીતિશ કુમારની સરકારે તરત જ કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી, પરંતુ, મહારાષ્ટ્ર સરકારે તેનો વિરોધ કર્યો હતો. સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિએ કેસની તપાસ સીબીઆઈને સુપરત કરવાની સૌથી પહેલા વિનંતી કરી હતી. એણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને તે વિનંતી કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]