13 લાખ રેલવે કર્મચારીઓ માટે ‘વ્યાપક આરોગ્ય વીમા યોજના’

નવી દિલ્હીઃ ભારતીય રેલવે તરફથી જણાવવામાં આવ્યું છે કે એ તેના 13 લાખ કર્મચારીઓની તબીબી સારવારનો વ્યાપ વધારવા વિચારી રહી છે. રેલવે તંત્ર પોતાના કર્મચારીઓ માટે એક સર્વાંગી આરોગ્ય વીમા યોજના લાવી રહ્યું છે.

આરોગ્ય વીમા યોજનાનો લાભ માત્ર રેલવેના કર્મચારીઓને જ નહીં, પરંતુ એમના પરિવારજનોને પણ મળશે.

હાલ રેલવે કર્મચારીઓ અને એમના પરિવારજનોને રેલવે કર્મચારી આરોગ્ય યોજના અને કેન્દ્રીય કર્મચારી આરોગ્ય યોજના અંતર્ગત આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે જ છે, પણ હવે સારવારની વ્યાપક્તા વધારવા રેલવે તંત્ર વિચારી રહ્યું છે.

રેલવે તંત્ર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે, જે રેલવેના કર્મચારીઓને તબીબી કે અન્ય ઈમરજન્સી વખતે નાણાકીય સંકટ ઊભું થાય તો એની સામે એમને વીમા કવચ પૂરું પાડવા માટે સ્ટાફ માટેની ‘વ્યાપક આરોગ્ય વીમા યોજના’ને લગતી તમામ બાબતોનો અભ્યાસ કરશે.

ભારતીય રેલવેએ ઝોનલ રેલવેના તમામ જનરલ મેનેજરો તથા પ્રોડક્શન યુનિટ્સના વડાઓને એમના મંતવ્યો, સૂચનો આપવા જણાવવામાં આવ્યું છે.

ભારતીય રેલવેમાં 586 હેલ્થ યુનિટ્સ છે, 45 સબ-ડિવિઝનલ હોસ્પિટલો છે, 56 ડિવિઝનલ હોસ્પિટલો છે, આઠ પ્રોડક્શન યુનિટ્સ હોસ્પિટલો છે અને 16 ઝોનલ હોસ્પિટલો છે જે દેશભરમાં પ્રસરાયેલી છે. આ તમામ હોસ્પિટલોમાં 2,500 ડોક્ટરો અને 35,000 પેરામેડિકલ સ્ટાફ કામ કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]