દાનિશ કનેરિયા ઈચ્છે છે, સૌરવ ગાંગુલી ICC પ્રમુખ બને

કરાચીઃ પાકિસ્તાનના વિવાદાસ્પદ ભૂતપૂર્વ લેગસ્પિનર દાનિશ કનેરિયાએ કહ્યું છે કે સૌરવ ગાંગુલી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાના નવા પ્રમુખ બને એ માટે પોતે સમર્થન વ્યક્ત કરે છે. કનેરિયાએ કહ્યું કે, જો ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલી આઈસીસીના પ્રમુખ બનશે તો પોતે આઈસીસી દ્વારા મૂકવામાં આવેલા આજીવન ક્રિકેટ પ્રતિબંધને દૂર કરવાની એમને અપીલ કરશે.

એક કાઉન્ટી મેચ વખતે સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં સંડોવણી બદલ કનેરિયા પર આજીવન ક્રિકેટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પરંતુ 39 વર્ષીય કનેરિયાનું કહેવું છે કે જો ગાંગુલી આઈસીસીના નવા પ્રમુખ બનશે તો પોતાની પરનો આજીવન પ્રતિબંધ દૂર કરાય એ માટે તે સંસ્થાને અપીલ કરશે અને આઈસીસી તરફથી સકારાત્મક પ્રતિસાદ મળશે એવો એને વિશ્વાસ છે.

261 વિકેટ લેનાર કનેરિયા પાકિસ્તાનનો ટેસ્ટ ક્રિકેટરનો અત્યાર સુધીનો સૌથી સફળ બોલર છે. ઈંગ્લેન્ડમાં કાઉન્ટી સ્પર્ધામાં એસેક્સ વતી રમતી વખતે એક મેચમાં સ્પોટ-ફિક્સિંગ કર્યું હોવાનો કનેરિયા પર આરોપ મૂકાયો હતો અને ત્યારબાદ એની પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શરૂઆતમાં એણે આરોપને નકારી કાઢ્યો હતો, પણ 2018માં એણે કબૂલાત કરી હતી.

કનેરિયાએ કહ્યું છે કે આઈસીસીના પ્રમુખ બનવા માટે સૌરવ ગાંગુલી પરફેક્ટ વ્યક્તિ છે. એમના કરતા વધારે સારો ઉમેદવાર બીજો કોઈ નથી.

ગાંગુલીએ ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હતું અને સૌથી સફળ કેપ્ટન બન્યા હતા. એમની નિવૃત્તિ બાદ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ સુકાનીપદ સંભાળ્યું.

ગાંગુલી હાલ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ છે.