T20 વર્લ્ડ કપ સ્પર્ધાને મુલતવી રાખી નથીઃ ICCની સ્પષ્ટતા

મુંબઈઃ આ વર્ષના ઓક્ટોબર-નવેંબરમાં ઓસ્ટ્રેલિયામાં નિર્ધારિત T20 ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધાને 2022 સુધી મુલતવી રાખવામાં આવી હોવાના અહેવાલોને ક્રિકેટનું વિશ્વસ્તરે સંચાલન કરતી આઈસીસી સંસ્થાએ રદિયો આપ્યો છે.

આઈસીસીએ કહ્યું છે કે ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા માટેની તૈયારીઓ ચાલુ જ છે.

અગાઉ ભારતીય મિડિયામાં એવા અહેવાલો હતા કે કોરોના વાઈરસના ફેલાવાને કારણે આઈસીસી સંસ્થા આ વર્ષની T20 વર્લ્ડ કપને 2022 સુધી મુલતવી રાખશે.

આઈસીસીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ગુરુવારે બેઠક છે અને એમાં તેઓ કોરોના મહાબીમારી સંબંધિત અનેક પ્રશ્નો અંગે ચર્ચા કરશે. T20 વર્લ્ડ કપ પણ એજન્ડામાં સામેલ છે.

જો ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે T20 વર્લ્ડ કપ યોજી ન શકાય તો ભારત આવતા વર્ષે આ સ્પર્ધા યોજે એવી ધારણા છે.