જીવન વીમોઃ ભારતમાં ઘણાખરાનું કવચ અપૂરતું…

અમેરિકન લેખક અને કલાકાર વિલ રોજર્સનું વાક્ય આજે યાદ આવે છે. તેમણે કહ્યું હતું, “જે માણસ પૂરતો જીવન વીમો કરાવ્યા વગર ગુજરી ગયો હોય એને પાછો મોકલીને બતાવવું જોઈએ કે એણે કેવડી મોટી સમસ્યા સર્જી છે.” કોરોના વાઇરસના રોગચાળાના વખતમાં માણસો ટપોટપ મરી રહ્યા છે એવા સમયે જીવનનું અને જીવનવીમાનું મૂલ્ય સમજાય છે.

આમ છતાં આ વર્ષે જાન્યુઆરીમાં ઇન્ડિયાસ્પેન્ડ નામની સંસ્થાએ પ્રકાશિત કરેલા અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે ભારતમાં હજી પણ લોકો પૂરતા પ્રમાણમાં જીવનવીમો લેતા નથી. ઓછામાં ઓછા 98.8 કરોડ ભારતીયોએ, એટલે કે આપણી વસતિના 75 ટકા અને સમગ્ર યુરોપની વસતિ થાય એટલા લોકોએ જીવનવીમો લીધો જ નથી.

જીવનની વધતી જતી અનિશ્ચિતતા વચ્ચે લોકોએ પોતાના સ્વજનોને પૂરતું નાણાકીય રક્ષણ આપ્યું નહીં હોવાની વાત આઘાતજનક છે.

કોરોનાથી મૃત્યુ પામનારા લોકોનો કુલ આંકડો જોઈએ ત્યારે આ બીમારીની ગંભીરતા ધ્યાનમાં આવે છે. આ જ બાબતને ધ્યાનમાં લઈને હવે તો જીવનવીમા કંપનીઓએ પણ પ્રીમિયમ વધારી દીધાં છે. એચડીએફસી લાઇફ, મેક્સ લાઇફ અને તાતા એઆઇએ જેવી અગ્રણી કંપનીઓએ ગત મહિને પ્રીમિયમમાં 20થી 35 ટકાનો વધારો કર્યો છે. આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફે તો 40 ટકા સુધીનો વધારો કર્યો છે. બીજી કેટલીક કંપનીઓ આગામી મહિનાઓમાં પ્રીમિયમમાં વધારો કરે એવી ધારણા છે.

ઇન્ડિયાસ્પેન્ડના અહેવાલ પરથી બીજી પણ એક અગત્યની વાત ધ્યાનમાં આવી છે. ન કરે નારાયણ ને ઘરની કમાનાર વ્યક્તિનું અવસાન થાય એ સ્થિતિમાં આર્થિક કમી પૂરી કરવા માટે જેટલી રકમ જોઈએ તેના ફક્ત 8 ટકા જેટલી જ રકમનો સરેરાશ જીવનવીમો લોકોએ ઉતાર્યો છે. ઘર ચલાવનાર વ્યક્તિના ગયા પછી એક કરોડ રૂપિયાની જરૂર પડવાની હોય અને તેની સામે ફક્ત આઠ લાખ રૂપિયાનો વીમો ઉતરાવ્યો હોય તો એ રકમ ઘણી ઓછી કહેવાય.

જીવનવીમાનું કામ કમાનાર વ્યક્તિની ગેરહાજરીમાં તેની આવક જેટલી જ અથવા તો ઘર સહેલાઈથી ચાલી શકે એટલી રકમનું નાણાકીય સુરક્ષાનું કવચ પૂરું પાડવાનું છે. જો પૂરતી નાણાકીય સુરક્ષા ન હોય તો પાછળ રહેલા પરિવારજનોએ ઘણી તકલીફો વેઠવી પડે છે.

દરેક કમાનાર વ્યક્તિએ કેટલો જીવનવીમો કઢાવવો જોઈએ એ આંકડો એટલે હ્યુમન લાઇફ વેલ્યુ (એચએલવી). ચોક્કસ આંકડો તો ક્યારેય મેળવી શકાતો નથી. એચએલવી એક અંદાજમાત્ર હોય છે. એ અંદાજના આધારે જીવનવીમાનું કવચ લઈ શકાય છે.

વ્યક્તિના નિધનથી થતા ભાવનાત્મક નુકસાનની ખોટ કોઈ પૂરી શકતું નથી; નાણાકીય ખોટ પૂરવાનું કામ જીવનવીમાનું કવચ કરી શકે છે. દરેક વ્યક્તિની હ્યુમન લાઇફ વેલ્યુ અલગ અલગ હોય છે. વળી, એ આંકડો શોધવા માટે અનેક પદ્ધતિઓ ઉપલબ્ધ છે. એ અંદાજ આપનારી સંખ્યાબંધ વેબસાઇટ્સ ઉપલબ્ધ છે. આથી જીવનવીમો કઢાવતાં પહેલાં યોગ્ય વેબસાઇટ પર જઈને એ અંદાજ મેળવી લેવાનું સારું.

હ્યુમન લાઇફ વેલ્યુ પ્રાપ્ત કરવા માટે સામાન્યપણે વીમો લેવા ઈચ્છુક વ્યક્તિની ઉંમર, તેની વર્તમાન આવક અને ભવિષ્યના ખર્ચનો અંદાજ એ ત્રણ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. આપણે કહ્યું એમ, આ વેલ્યુ પ્રાપ્ત કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ છે અને દરેકમાં અલગ અલગ બાબતોને ગણતરીમાં લેવામાં આવે છે.

અહીં પુનરોક્તિના ભોગે પણ કહેવું ઘટે કે જીવનવીમાને ક્યારેય રોકાણ ગણવો નહીં. જીવનમાં કોઈ નિશ્ચિત બાબત હોય તો એ તેની અનિશ્ચિતતા જ છે. કોરોનાથી બચવા માટે શહેરમાંથી ગામ જઈ રહેલા લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા હોવાનું આપણે જોયું છે. આના પરથી કહી શકાય કે મૃત્યુ નિશ્ચિત છે, પણ ક્યારે આવશે એ અનિશ્ચિત હોય છે. આથી દરેક કમાનાર વ્યક્તિએ પોતાના ગયા પછી પરિવારને કોઈ આર્થિક ભીંસ નડે નહીં એ માટે પૂરતો જીવનવીમો લઈ લેવો જોઈએ. જીવનવીમો ફક્ત કોઈના કહેવાથી કે કોઈ સંબંધી કે મિત્રની પોલિસીની સંખ્યા પૂરી કરાવવા માટે નહીં, પણ પોતાની અનુપસ્થિતિમાં પરિવારની આર્થિક સુરક્ષા માટે કઢાવવાનો હોય છે. હવે જીવનવીમાનો વિચાર કરો ત્યારે હ્યુમન લાઇફ વેલ્યુ જાણી લેવા માટે ઇન્ટરનેટની અથવા કોઈ જાણકારની મદદ લઈ લેજો.

  • ખ્યાતિ મશરૂ-વસાણી (ચાર્ટર્ડ વેલ્થ મેનેજર)