IPL 2020ને વિદેશમાં રમાડવાનો બીસીસીઆઈનો વિચાર

નવી દિલ્હીઃ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) આ વર્ષની મોકૂફ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાને યોજવા માટે અનેક વિકલ્પો પર ચર્ચા કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે IPLની તમામ સંભાવનાઓ પૂરી થઈ જાય, તો BCCI વિદેશમાં પણ ટૂર્નામેન્ટનું આયોજન કરી શકે છે. જોકે, આ છેલ્લો વિકલ્પ હશે.

IPL આ વર્ષે 29 માર્ચે શરૂ થવાની હતી, પરંતુ કોરોનોવાયરસના ફેલાવા અને તેને પગલે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે આ ટૂર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, જો આઈપીએલ રદ કરવામાં આવે તો લગભગ 4 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.

BCCIના એક સૂત્રએ એજન્સીને કહ્યું, ‘બોર્ડ તમામ વિકલ્પો પર ધ્યાન આપી રહ્યું છે. જો IPLને દેશ બહાર યોજવાની વાત આવે તો ચર્ચા કરી શકાય છે. IPLની મેચો ભૂતકાળમાં પણ દેશબહાર યોજવામાં આવી ચૂકી છે. તેથી કોઈ મુશ્કેલી નહીં થાય. “હાલમાં, BCCI આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T-20 વર્લ્ડ કપ અંગે ICCના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે, જે 10 જૂને આવનાર છે.

અત્યાર સુધીમાં બે વખત લોકસભાની ચૂંટણીને કારણે IPLને ભારતની બહાર કરાવવામાં આવી છે. 2009માં, IPLનું આયોજન દક્ષિણ આફ્રિકાએ કર્યું હતું. ત્યારે આ ટૂર્નામેન્ટ 5 અઠવાડિયા અને 2 દિવસ સુધી ચાલી હતી. 2014માં ટૂર્નામેન્ટની કેટલીક મેચો યુએઈમાં રમાડવામાં આવી હતી.

આ વખતે IPL 50 દિવસને બદલે 44 દિવસની થવાની હતી. તમામ 8 ટીમોએ 9 શહેરોમાં 14-14 મેચ રમવાની હતી. 24 મેના રોજ વાનખેડેમાં 2 સેમીફાઇનલ, 1 નોકઆઉટ અને ફાઇનલ મેચ રમાવાની હતી, પરંતુ BCCI હવે આનો કાર્યક્રમ નાનો કરીને 2009ની સ્પર્ધાની જેમ 37 દિવસનો કરી શકે છે.