બોલની ચમક જળવાઈ રહે તો રિવર્સ સ્વિંગ થઈ શકેઃ શમી

નવી દિલ્હીઃ ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીએ કહ્યું હતું કે જો બોલ પરની ચમક પર્યાપ્ત રીતે જળવાઈ રહે તો પોતે બોલ પર થૂંક લગાડ્યા વગર પણ એને રિવર્સ સ્વિંગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસની બીમારીના ફેલાવાને કારણે ICCએ બોલ પર થૂંક લગાવવા પર પ્રતિબંધ મૂકવા વિચારી રહી રહી છે. થૂંકને કારણે કોરોના બીમારીનું ટ્રાન્સમિશન વધી જવાનું જોખમ રહે છે.

શમીએ રોહિત જુગલાન સાથે ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરતાં કહ્યું હતું કે બોલ પર થૂંક લગાડવા પર પ્રતિબંધ મૂકાય તો અમને બોલરોને મુશ્કેલી થશે. અમને નાનપણથી બોલ પર થૂંક લગાડવાની આદત છે. જો તમે ઝડપી બોલર હો તો તમને બોલ પર થૂંક લગાવવાની આદત પડી જ જાય, પણ જો તમે સૂકા બોલ પરની ચમકને જાળવી રાખો તો રિવર્સ સ્વિંગ ચોક્કસ પણે કરી શકો છો.

બોલ પર પરસેવો અને થૂંક અલગ-અલગ રીતે કામ કરે

પરસેવો અને થૂંક અલગ-અલગ રીતે કામ કરે છે. મને નથી લાગતું કે એનાથી મદદ મળશે. મેં ક્યારેય થૂંક લગાવ્યા વિના બોલિંગનો પ્રયાસ નથી કર્યો. જોકે હવે કોરોના વાઇરસને રોગચાળાને કારણે થૂંકના ઉપયોગને રોકવો બહુ મહત્ત્વનો છે, એમ શમીએ કહ્યું.

પરસેવોનો લગાવવાની મંજૂરી અપાશે

ICC ક્રિકેટ સમિતિના વડા અનિલ કુંબલેએ કહ્યું હતું કે બોલને પોલિશ કરવા માટે બોલ પર પરસેવો લગાડવાની બોલરોને કદાચ મંજૂરી અપાશે, પણ શમીએ દાવો કર્યો હતો કે બોલ પર પરસેવો ફાસ્ટ બોલરની મદદ નથી કરતો. પરસેવો અને થૂંક બોલ પર અલગ રીતે કામ કરે છે. મને નથી લાગતું કે એનાથી કોઈ મદદ મળી રહે. મેં ક્યારેય બોલ પર થૂંક લગાવ્યા વિના બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો નથી. હવે કોવિડ-19 રોગચાળાને લીધે એ મહત્ત્વનું છે કે બોલ પર થૂંક ન લગાડવામાં આવે, એમ શમીએ કહ્યું હતું.

ધોનીની ઊણપ મેદાનની અંદર અને બહાર લાગશે

શમીએ ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીને યાદ કરતાં કહ્યું હતું કે તેને ધોનીની ઊણપ મેદાનની અંદર અને બહાર –બંને જગ્યાએ લાગે છે. ત્યાં સુધી કે શમી ઇચ્છે છે કે ધોની જલદીથી ટીમ ઇન્ડિયામાં વાપસી કરે અને ફરી એને માર્ગદર્શન આપે. તેણે કહ્યું હતું કે IPL સિવાય દરેક ફોર્મેટમાં ધોનીના નેતૃત્વમાં રમ્યો છું. જ્યાં સુધી માર્ગદર્શનનો સવાલ છે, તે પોતાના સાથી ક્રિકેટરોની સાથે હંમેશાં એ રીતનો સાલસ વ્યવહાર કરે છે કે તમને લાગે જ નહીં કે તે એમએસ ધોની છે, એ એટલો મોટો ખેલાડી છે. ધોનીને લઈને મારે ઘણી યાદો છે. હાલ પણ હું વિચારું છું કે માહી ભાઈ આવશે અને તેની સાથે રમવામાં મજા પડશે.

ICCના T-20 વર્લ્ડ કપ પર પ્રશ્નાર્થચિહન

કોરોના વાઇરસે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ICC T-20 વર્લ્ડ કપ પર  પ્રશ્નાર્થચિહન ઊભું કર્યું છે અને શમીએ કહ્યું હતું કે ખેલાડીઓ આવી મોટી ટુર્નામેન્ટ રમતાં પહેલાં કેટલીક મેચો રમવા ઇચ્છશે.

અમે કંઈ મશીનો નથી, કે સ્વિચ ઓન-ઓફ કરી શકો છો. એક સ્પોર્ટસમેન તરીકે તમારા બોડીને રિધમમાં લાવવાની જરૂર હોય છે. હાલના સમયગાળામાં કોઈએ પણ બેટ અને બોલને સ્પર્શ કર્યો નથી. તેથી વર્લ્ડ કપ પહેલાં 10-15 દિવસનો કેમ્પ અથવા એક-બે સિરીઝ રમડવી જોઈએ, એમ તેણે કહ્યું હતું.